ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે આજે દેશના રેસલિંગ ચાહકોને ખુશીનો ડબલ ડોઝ આપતા અહીં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પહેલા રેપચેઝમાં અમેરિકાની સારા એન હિલ્ડેબ્રાન્ટને હરાવીને ઓલિમ્પિક્સ ક્વોટા જીત્યો હતો અને તે પછી ગ્રીસની મારિયા પ્રેવોલારાકીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રેપચેઝના પહેલા રાઉન્ડમાં વિનેશે યુક્રેનની યૂલિયા ખાલાવાદ્જીને સરળતાથી 5-0થી હરાવી હતી અને તે પછી બીજા રાઉન્ડમાં તેનો સામનો અમેરિકાની સારા એન હિલ્ડેબ્રાન્ટ સાથે થયો હતો. સારાએ ઓછામાં ઓછી પાંચ વાર વિનેશનો જમણો પગ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિનેશે શ્રેષ્ઠતમ ડિફેન્સનું પ્રદર્શન કરીને તેને કોઇ ફાયદો ઉઠાવવા દીધો નહોતો અને તે પછી તેણે સારા સામે 8-2થી જીત મેળવી હતી.
વિનેશે પોતાની કેરિયરમાં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા પણ તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ પહેલા ત્રણવાર ભાગ લેવા છતાં મેડલ જીતી શકી નહોતી. તેણે ચોથીવારની પોતાની ભાગીદારીમાં અંતે બ્રોન્ઝ મેડલ જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. વિનેશે બ્રોન્ઝ મેડલ માટેની ફાઇટમાં બે વારની બ્રોન્ઝ મેડલિસ્ટ એવી ગ્રીસની મારિયા પ્રોવોલારકી સામે ચાર પોઇન્ટ મેળવ્યા પછી તેને જમીન સરસી રાખીને જીત મેળવી હતી.
વિનેશ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરનારી પ્રથમ ભારતીય રેસલર
કઝાકિસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ડ્રોના મુખ્ય રાઉન્ડમાં હારેલી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે તે પછી રેપચેઝમાં બે રાઉન્ડ જીતીને ઓલિમ્પિક્સ ક્વોટા મેળવ્યો હતો આ સાથે જ તે ભારત વતી ટોક્યો ઓલિમ્પિક્સનો ક્વોટા મેળવનારી પહેલી ભારતીય રેસલર બની છે. વિનેશે ઓલિમ્પિક્સ ક્વોટા માટેની બાઉટમાં પહેલા રાઉન્ડમાં યુક્રેનની મારિયા ખાલાવાદ્જીને 5-0થી હરાવ્યા પછી બીજા રાઉન્ડમાં અમેરિકાની સારા એન હિલ્ડેબ્રાન્ટને 8-2થી હરાવીને ઓલિમ્પિક્સ કવોટા મેળવ્યો હતો.