ટીમની સુરક્ષા સંબંધી ચિંતાઓને દૂર કરવાના પ્રયાસ કરતા પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (પીટીએફ)ના અધ્યક્ષ સલીમ સૈફુલ્લાહે ડેવિસ કપ મેચ દરમિયાન પ્રવાસી ટીમને ખુબ જ સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન અને વચન આપ્યું છે. પાકિસ્તાન 12 વર્ષમાં પહેલીવાર ડેવિસ કપ મેચના આયોજનની તૈયારી કરી રહ્યું છે.
પીટીએફના અધ્યક્ષે સાથે જ એવું કહ્યું હતું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14-15 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મેચ માટે નિમંત્રણ મોકલવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમણે પ્રવાસી ટીમ અને પ્રશંસકો માટે યાદગાર મહેમાનગતીનું પણ વચન આપ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે અમે ભારતીય ડેવિસ કપ ટીમની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છીએ. ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકો માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અમે ખુબ જ સુરક્ષિત માહોલમાં તેનું આયોજન કરીશું.