ગાંધીનગર– કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વ્યસનીઓ તેમના વ્યસન માટે તડપી રહ્યાં છે. લોકો કોઇને કોઇ નશો શોધી રહ્યાં છે. દારૂ પીવા નહીં મળે તો કંઇ નહીં, નશીલી દવાઓ મળશે તો પણ ચાલશે. ગમ ભૂલાવવા લોકો નશાના રવાડે ચઢી રહ્યાં છે અને તેમને એવા તત્વો સપોર્ટ કરી રહ્યાં છે કે જેઓ દવા વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે.
નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો અને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન પાટણ જિલ્લામાં થયું છે જ્યાં અગાઉ પણ એક વખત નશીલી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પાટણમાં સાઇકોટ્રોપિક દવાની 61000 જેટલી ગોળીઓ અને 800 બોટલ કોડીન કબજે કરવામાં આવ્યું છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ થઇ છે.
એનસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર 26 એપ્રિલના રોજ પાટણમાં સાઇ કુતીર બંગલોઝ સિક્યુરિટી ઓફિસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પાટણ પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ અમિત પટેલ તરીકે થઈ છે અને જપ્ત કરેલી દવાઓની કુલ કિંમત ત્રણ લાખ રૂપિયા હોવાનું અનુમાન કરાયું છે.
સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર વેપારને વધુ બળ મળે તે પહેલાં ગુજરાત એનસીબીએ એફડીએ સાથે મળીને બન્નેનો જથ્થો જપ્ત કર્યો છે અને પાટણના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીના અધિકારીઓ હવે તેની પૂછપરછ કરશે અને આ ગેરકાયદેસર ડ્રગ કન્સાઈનમેન્ટની જોડાણોની તપાસ કરશે.
નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ આવા સાયકોટ્રોપિક પદાર્થો અથવા નિયંત્રિત પદાર્થોના કબજામાં રાખવા સામે ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
વિવિધ ઇનપુટ્સ સૂચવે છે કે ફાર્માસ્યુટિકલ દવાઓ જેવી કે કફ સિરપ કોડીન અને અન્ય સાયકોટ્રોપિક પદાર્થો ડ્રગના નશો કરનારાઓમાં લોકપ્રિય છે, જેનું અમુક અનૈતિક તત્વો દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. ઉંચા દામ હોવા છતાં લોકો તેને ખરીદે છે, કારણ કે દેશમાં અત્યારે દારૂનું વેચાણ બંધ છે. આ દવાઓ માન્ય તબીબ વિના મેડીકલ સ્ટોરમાં વેચી શકાતી નથી.