અત્યારે દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યાં બિહારના જહાનાબાદ જિલાનું એક ગામ છે, જે ચિરી પંચાયત અંતર્ગત છે, જ્યાં આની કોઇ અસર જ દેખાતી નથી. જહાનાબાદ જિલ્લા મુખ્ય ઓફિસથી 30 કિમી દૂર ત્રિલોકી બિગહા ગામના લોકોને ડુંગળીના ભાવ સામે કોઇ જ સમસ્યા નથી, કારણકે આખા ગામમાં કોઇ ડુંગળી ખાતું જ નથી. ગામમાં 30-35 ઘર છે. જેમાં મોટાભાગના લોકો યાદવ જ છે. આ લોકોના ઘરમાં લસણ-ડુંગળી ખવાતી જ નથી.
ગામના વડીલ રામવિલાસ જણાવે છે કે, એવું નથી કે લસણ-ડુંગળીના ઊંચા ભાવના કારણે સેવન નથી કરી શકતા, અહીંના લોકો વર્ષોથી લસણ-ડુંગળી ખાતા જ નથી. તેમણે જણાવ્યું કે, તેમના પૂર્વજો પણ લસણ-ડુંગળી નહોંતા ખાતા અને આજે પણ આ પરંપરા કાયમ છે. હુલાસપુર તાલુકાના ચિરી પંચાયતના ત્રિલોકો બિગહા ગામના લોકો લસણ-ડુંગળી ન ખાવાનું કારણ ગામમાં ઠાકુરબાડી (મંદિર) હોવાનું ગણાવે છે, ગામની સુબરતી દેવી જણાવે છે, તેમના ગામમાં ઠાકુરજીનું એક મંદિર છે, જેના કારણે તેમના પૂર્વજોએ ગામમાં ડુંગળી ખાવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જે આજે પણ ચાલુ જ છે.
તે એવો પણ દાવો કરે છે કે, 40-45 વર્ષ પહેલાં કોઇએ આ પ્રતિબંધ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેના પરિવાર સાથે કોઇ અશુભ ઘટના ઘટી હતી. ત્યારબાદ એ લોકોએ પણ ડુંગળી ખાવાની હિંમત નથી કરી. ચિરી ગ્રામ પંચાયતના મુખિયા સંજય કુમાર પણ જણાવે છે કે, ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. જોકે તેઓ એમ પણ જણાવે છે કે, આને તમે એક અંધવિશ્વાસ પણ ગણી શકો છો, પરંતુ આ પ્રતિબંધ ગામમાં પરંપરા બની ગઈ છે, કુમાર જણાવે છે કે, ગામમાં મોટાભાગના લોકો યાદવ જાતિના છે.
ગ્રામીણ જણાવે છે કે, લસણ અને ડુંગળી જ નહીં, આ ગામમાં માંસ અને દારૂ પર પણ પ્રતિબંધ છે. આ ગામમાં ઘણા લોકો એવા પણ છે, જેમને એ પણા ખબર નથી કે, બજારમાં અત્યારે ડુંગળીના ભાવ શું છે.