નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ લોકોને વધારે મુશ્કેલીમાં મુકી દેતા હોય છે ત્યારે છેલ્લા 24 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, આજે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કર્યો છે. આ કાપ બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલના ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે. હકીકતમાં જોઈએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના કિંમતોમાં આવેલા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 15 દિવસમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી લહેર ચાલતી હોવાની કારણે ઈંધણની માગ ઘટવા લાગી છે. જેને લઈને કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઉંચાઈએથી નીચે આવીને સીધા 64 ડૉલર બૈરલ પર આવી ગયા છે.
ગત મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે ઘરેલૂ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4થી 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. પણ 26 ફેબ્રુઆરી બાદ ક્રૂડના ભાવમાં 8 ડૉલર વધ્યા હતા. પણ આ દરમિયાન ફક્ત 27 ફેબ્રુઆરીના રોજ મામૂલી વધારી થયો હતો.
આપને જણાવી દઈએ કે, રોજ સવારે 6 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી નવા દરો લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જતાં હોય છે. વિદેશી મુદ્રાના દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.