ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવા માટે આયોજન હાથ ધરાયું છે. શહેરમાં ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહિબાગ ખાતે આ માટેનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. રાજ્ય સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શાહીબાગ ખાતે આ મેગા કેમ્પનું આયોજન કરાયુંહતું કોરોના કાળ દરમિયાન રાજ્યમાં કેટલાક પોલીસ કર્મીઓના મોત થઈ ચુક્યા હતા. તેમના પરિવારની હાલત અત્યંત દયાજનક જોવા મળી હતી. જેને પગલે હવે સરકાર દ્વારા રાજ્યના પોલીસ કર્મીઓ અને પરિવારની સારસંભાળ લેવાં માટે આરોગ્ય ચકાસણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહીબાગ ખાતે આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ કિરીટ સોલંકી,રાજ્યક્ષા મંત્રી નિમિષાબેન સુથાર, શહેરના મેયર કિરીટ પરમાર હાજર રહ્યા હતાં.
હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે સામાન્ય જનમાં પણ લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગો, વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો 12મી નવેમ્બરથી મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. અભિયાન હેઠળ રાજ્યમાં બિન ચેપી રોગથી લોકોની કાળજી લેવા 30થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રિનિંગ તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે.