વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના દૌસામાં રૂ. 18,100 કરોડથી વધુના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ દિલ્હીથી દૌસાને જોડતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ વિભાગને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.દિલ્હીથી દૌસા સુધીના 246 કિલોમીટર લાંબા એક્સપ્રેસ-વેના પ્રથમ સેક્શનના શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરી પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈને જોડતા આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1,386 કિમી છે.એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વનો સૌથી લાંબો આઠ-લેન એક્સપ્રેસવે બનશે, જેને જરૂર પડ્યે 12 લેન સુધી પહોળો કરી શકાય છે.
વડાપ્રધાન મોદી 5,940 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
PM મોદી રવિવારે રાજસ્થાનમાં 247 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જેનું નિર્માણ રૂ. 5,940 કરોડથી વધુના ખર્ચે થશે.બાંડીકુઇ-જયપુર વચ્ચે 2,000 કરોડના ખર્ચે 67 કિલોમીટર લાંબો ફોર લેન હાઇવે બનાવવામાં આવશે. આ સાથે કોટપુતલીથી બારોડાણિયો વચ્ચે રૂ. 3,775 કરોડના ખર્ચે ફોર લેન રોડ બનાવવામાં આવશે. લાલસોટ-કરૌલી વચ્ચે રૂ. 150 કરોડના ખર્ચે બે લેનનો પાકો શોલ્ડર રોડ બનાવવામાં આવશે.
આ એક્સપ્રેસ વે રાજસ્થાનના 5 જિલ્લામાંથી પસાર થશે
રાજસ્થાનના પાંચ જિલ્લાના 18 તાલુકાઓના 265 ગામોની સરહદમાંથી પસાર થશે. હરિયાણાના સોહનાથી શરૂ થઈને રાજસ્થાનના અલવર, દૌસા, સવાઈમાધોપુર, બુંદી અને કોટા જિલ્લામાંથી પસાર થઈને મંદસૌરથી રાજસ્થાનમાં 373 કિમી પસાર કરીને મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે. તે દિલ્હી-મુંબઈ વચ્ચે જયપુર, ઈન્દોર, ભોપાલ અને સુરત જેવા મુખ્ય આર્થિક કેન્દ્રોને જોડશે.
દિલ્હીથી મુંબઈ 24ને બદલે 12 કલાકમાં
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનને રૂ. 12,150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓને વિશેષ લાભ મળશે અને સમગ્ર રાજ્યમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે.આ એક્સપ્રેસ વેનું નિર્માણ પૂર્ણ થવાથી જ્યાં દિલ્હી-મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઘટશે, ત્યાં સમય પણ 50 ટકા ઓછો થઈ શકે છે. હાલમાં દિલ્હી-મુંબઈ જવા માટે રોડ માર્ગે જવામાં 24 કલાકનો સમય લાગે છે. એક્સપ્રેસ વે તૈયાર થયા બાદ આ સમય ઘટાડીને 12 કલાક કરવામાં આવશે.