ભારતની મહિલા રેસલર પૂજા ઢાંડાનો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિની 59 કિગ્રાની કેટેગરીમાં સેમી ફાઇનલમાં રશિયાની લિયુબોવ ઓવચારોવા સામે 0-10થી પરાજય થયો હતો. જો કે પૂજા પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બનવાની તક હજુ પણ છે. પૂજા હવે ગુરૂવારે બ્રોન્ઝ મેડલ માટેની બાઉટ લડશે.
સેમીમાં 2017ની યુરોપિયન ચેમ્પિયન લિયુબોવે એકતરફી ફાઇટમાં માત્ર 2 મિનીટ અને 37 સેકન્ડમાં જ ટેક્નીકલ સુપિરીયાલિટીના આધારે 10-0થી વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં પૂજા કોઇ પડકાર ઊભો કરી શકી નહોતી અને સાવ સરળતાથી ગણતરીના સમયમાં બાઉટ ગુમાવી ચુકી હતી. ગુરૂવારે પૂજા બ્રોન્ઝ મેડલ માટે મેટ પર ઉતરશે. તેના આ મુકાબલા માટે બધા ઉત્સાહિત છે. પૂજાએ ગત વર્ષે પણ આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને જો તે ફરી ગત વર્ષ જેવું પ્રદર્શન દોહરાવશે તો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા રેસલર બની શકશે. ભારત વતી એકમાત્ર પુરૂષ રેસલર બજરંગ પુનિયા જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતી શક્યો છે.
બુડાપેસ્ટમાં 2018ના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પૂજાએ આ પહેલા બુધવારે જાપાનની યુજુકા ઇંગાકી સામે 0-5થી પાછળ પડવા છતાં જોરદાર વાપસી કરી હતી, જો કે તે પછી પણ પૂજા 4-7થી પાછળ રહી હતી. જો કે તે પછી પૂજાએ જોરદાર મુવ કરીને યુજુકાની નીચેથી નીકળીને પાછળ જઇને તેને પટકી હતી. તે સમયે હજુ માત્ર 40 સેકન્ડ જ બાકી રહી હતી અને પૂજા હજુ પણ પાછળ હતી પણ તે પછી તેણે ચાર પોઇન્ટ મેળવીને સરસાઇ મેળવી લીધી અને અંતે બાઉટ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.