પ્રો કબડ્ડી લીગની ૭મી સિઝન શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રા છે ત્યારે યુપી યોદ્ધા ટીમ દ્વારા હાલની સિઝન માટે પોતાના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ઍક કાર્યક્રમ દરમિયાન ૨૦ વર્ષિય નિતેશ કુમારને પોતાનો નવો કેપ્ટન યુપી યોદ્ધા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
નિતેશ કુમારને પાછલી સિઝનમાં સારી રમત બતાવવાનું ફળ કેપ્ટન સ્વરૂપે મળ્યું છે. આ ઉપરાંત ટીમ દ્વારા નવી ટી શર્ટ પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમના કોચ અર્જુને નિતેશને કેપ્ટન બનાવવા પાછળનું કારણ તેની ડિફેન્સના ખેલાડી હોવાનું ગણાવ્યું છે. ડિફેન્ડર હોવાને કારણે તે રેડ કરવા મામલે સાથીઓને ટિપ્સ આપી શકે છે અને તેના ઍ ગુણને ધ્યાને લઇને તેને કેપ્ટન બનાવાયો છે. નિતેશ ભારતીય કબડ્ડી ટીમનો સભ્ય પણ છે. આ ઉપરાંત યુપી યોદ્ધામાં આ વખતે મોનૂ ગોયતને પણ સામેલ કરાયો છે.
પ્રો કબડ્ડી લીગની ૭મી સિઝનની શરૂઆત 20 મી જુલાઇથી હૈદરાબાદમાં થશે અને તેની ફાઇનલ 19 ઓક્ટોબરના રોજ રમાશે. આ વખતે પ્રો કબડ્ડી લીગના ફોર્મેટમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સીઝનમાં ઇન્ટરઝોનલ, અલ્ટ્રાઝોનલ અને વાઇલ્ડ કાર્ડ મેચીસને હટાવી દેવાઇ છે. આ સિઝન રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. જેમાં તમામ ટીમો અન્ય ટીમ સામે 2-2 વાર રમશે.