અમદાવાદઃ અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યમાં ચૂંટણી જાહેર થયાના 2 કલાકની અંદર જ 58 હજાર કરતા વધારે પબ્લિસીટી મટિરીયલ રાજ્યભરના રોડ-રસ્તાઓ પરથી હટાવી લેવાયા છે. નોંધનીય છે કે આ મટિરીયલ્સમાં સત્તાપક્ષના નેતાઓના ફોટોવાળા બેનર્સ, પોસ્ટર્સ. બીજા પક્ષો દ્વારા કરાયેલી જાહેરાતો અને દાવાઓના પબ્લિસીટી મટિરીયલ્સનો સમાવેશ થાય છે.
ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું હતું કે, ‘42,475 પબ્લિસીટી મટિરીયલ અમદાવાદ જિલ્લામાંથી જ દૂર કરવામાં આવ્યા છે. દિવાલો પરના પેઈન્ટિંગ્સ પણ દૂર કરી દેવામાં આવ્યાં છે. તેમ છતાં નેતાઓની તસવીરવાળા બેનરો અને હોર્ડિગ્સ હજુ સુધી કેટલાંક વિસ્તારોમાં દેખાય છે.’ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વૈને જણાવ્યું હતું કે, ‘નેતાઓના નામ અને તસવીરો સરકારી વેબસાઈટો પરથી પણ દૂર કરી લેવાયા છે. જો જાહેર જનતાની નજરમાં કોઈ રાજકિય પબ્લિસીટી મટિરીયલ ધ્યાનમાં આવે જે હજુ સુધી હટાવાયું ન હોય તો તે અંગે તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીનો સંપર્ક સાધી શકે છે.’