ભારતની ટોચની શટલર પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પણ હાર્યા પછી હવે મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી જાપાન ઓપન બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 750 ટુર્નામેન્ટમાં વિજયની સાથે આ વર્ષે તેના માટે સર્જાયેલા ટાઇટલના દુકાળનો અંત લાવવા માગશે. આ ટુર્નામેન્ટમાં સાઇના નેહવાલની પણ વાપસી થશે જે ફિટનેસ પ્રોબ્લેમને કારણે ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000માં ભાગ લઇ શકી નહોતી.
રવિવારે જાકાર્તામાં ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે હારીને 7 મહિનાથી ચાલી આવતા ટાઇટલના દુકાળનો અંત ન લાવી શકેલી સિંધુ હવે જાપાનમાં તેની કસર પુરી કરવા માગશે, તે ચીનની હાન યુઇ સામે રમીને પોતાનું અભિયાન આરંભશે. યામાગુચી સામેની ફાઇનલની હારનો બદલો લેવાની તક સિંધુને અહીં ક્વાર્ટર ફાઇનલમાં મળી શકે છે.
આ ટુર્નામેન્ટમાં 8મી ક્રમાંકિત સાઇના નેહવાલ ઍવી ઍકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે આ વર્ષે ટાઇટલ જીત્યું હોય. તે પોતાનું અભિયાન થાઇલેન્ડની બુસનાન ઓંગબુરુંગપાન સામે રમીને આરંભશે. પુરૂષ સિંગલ્સમાં ઍચઍસ પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત ઍકબીજા સામે રમશે. જ્યારે બી સાઇ પ્રણીત જાપાનના કેન્ટા નિશિમોટો સામે ઉતરશે.