વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા દરમિયાન ભારતીય શટલર પીવી સિંધુને કોચિંગ આપનારી દક્ષિણ કોરિયાની કિમ જી હ્યુને અંગત કારણોસર સિંધુના કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ભારતે હવે જેમ બને તેમ સિંધુના કોચ પદ માટે કિમનો વિકલ્પ શોધવો પડશે.
બુસાનની રહીશ 45 વર્ષિય કિમે પોતાના પતિ રિચી મેચ પાસે ન્યુઝીલેન્ડ જવું પડ્યું છે, જેને થોડા દિવસો પહેલા જ ન્યુરો સ્ટ્રોક આવ્યો હતો. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઇ)એ આ વર્ષે જ કિમને કરારબદ્ધ કરી હતી અને તે પછી તેના માર્ગદર્શન હેઠળ સિંધુએ સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે જણાવ્યું હતું કે એ સાચુ છે કે કિમે રાજીનામુ આપ્યું ચે કારણકે તેમનો પતિ બિમાર છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન જ તેમણે ન્યુરો સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો હતો. તેથી તે પાછી ગઇ છે. તેમણે પોતાના પતિની સંભાળ લેવની છે કારણકે તેમાંથી બહાર આવતા તેમને ચારથી છ મહિના લાગી શકે છે.
સિંધુએ કહ્યું હતું કે મારી પાસે હવે કિમથી આગળ વધવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તેણે કહ્યું હતું કે એ કમનસીબી છે કે કિમે આ સમયે જવું પડ્યું. આશા રાખું છું કે તેમના પતિ ઝડપથી સાજા થઇ જશે. તેણે કહ્યું હતું કે મારા તેની સાથે ઘણાં સારા સંબંધ હતા અને મને ખબર જ છે કે મારે નવી શરૂઆત કરવી પડશે જો કે આ એક એવી બાબત છે કે જે ખેલાડીઓના જીવનનો એક ભાગ હોય છે.