કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૨૪-૨૫ નવેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ પ્રથમ દિવસે પોરબંદર અને અમદાવાદમાં જાહેરસભા-રોડ શો યોજશે અમદાવાદમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની બેઠક દહેગામથી અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લાની બેઠકોની મુલાકાત લઈને ૨૫મીએ રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ ૨૪મીએ શુક્રવારે દિલ્હીથી સીધા હવાઈ માર્ગે પોરબંદર જશે. પોરબંદર એરપોર્ટ પર ૧૦ કલાકે પ્રદેશના નેતાઓ દ્વારા સ્વાગત બાદ બપોરે ૧૧ કલાકે ફિશીંગ હાર્બર ગ્રાઉન્ડ ખાતે માછીમારોની જાહેરસભાને સંબોધન કરશે. ત્યાંથી તેઓ બપોરે ૧.૧૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે ત્યાંથી તેઓ સાણંદ નજીકના નાની દેવતી ગામના દલિત શકિત કેન્દ્ર ખાતે દલિત સ્વાભિમાન સભાને સંબોધીને સાંજે ૪.૧૫ કલાકે અમદાવાદના ટાગોર હોલ ખાતે ડોકટર, નર્સ સહિતના પેરામેડિકલ કર્મચારીઓ, ફાર્મા ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં લદ્યુ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. સાંજે ૫.૩૦ કલાકે મંગલ પાંડે હોલમાં શિક્ષણ સાથે સંકળાયેલાં પ્રોફેસરો, પ્રાથમિક શિક્ષકો અને એડહોક શિક્ષકો સાથે સંવાદ કરશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ અમદાવાદના નિકોલના ભકિત મેદાનમાં સાંજે ૭.૩૦ કલાકે જાહેરસભાને સંબોધીને અમદાવાદમાં રાત્રી રોકાણ કરશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૫મીએ ૧૧.૧૫ કલાકે ગાંધીનગરના દહેગામમાં સભાને સંબોધીને ૧૨.૧૦ કલાકે બાયડ, ૧ વાગે બાયડના સાઠંબા, ૨ કલાકે લુણાવાડાના ઈંદિરા મેદાન ખાતે સભાને સંબોધન કરશે. બપોરે ૩.૧૫ કલાકે સંતરામપુરના મંદિર ગ્રાઉન્ડમાં સ્થાનિક નાગરિકોને સંબોધન કરીને રાહુલનો કાફલો ૪ કલાકે દાહોદના ફતેહપુરા વિધાનસભામાં આવતા સુખસર તરફ જશે. જયાં મારગેડા ચોકડી ખાતે સ્થાનિક આગેવાનો સાથે વાર્તાલાપ કરી સાંજે ૪.૫૦ કલાકે ઝાલોદના મુવાડા ચોકડી થઇને ૫.૩૦ કલાકે લીમડી થઇ સાંજે ૬.૧૫ કલાકે દાહોદના કોલેજ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધીને ૭ કલાકે વડોદરા પહોંચશે રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.