૧૩ હજાર પેસેન્જર્સ ટ્રેન અને ૭ હજાર માલગાડીઓના સમયમાં થશે ફેરફાર
અમદાવાદ : રેલવેમાં સતત થતા અકસ્માતો અને તેની યોગ્ય જાળવણી કરવા માટે રેલવે મંત્રાલય હવે મોટા પાયે ફેરફાર કરવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે સમગ્ર દેશની ટ્રેનનું ટાઈમ ટેબલ બદલવા જઈ રહી છે. ૩૧ ઓક્ટોબરથી દેશની તમામ ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાઈ જશે. ઉત્તર રેલવેના ડીજીપીઆરઓ નીરજ શર્માએ જણાવ્યું હતું.
વાસ્તવમાં આ નિર્ણયનો અમલ ૧લી ઓક્ટોબરથી થવાનો હતો, પરંતુ કેટલાંક કારણસર હવે તેની મુદત લંબાવીને ૩૧ ઓક્ટોબરની તારીખ ફાઈનલ કરી દેવામાં આવી છે. ૩૧ ઓક્ટોબરથી ૧૩,૦૦૦ પ્રવાસી ટ્રેન અને ૭,૦૦૦ માલગાડીનાં સમય પત્રક બદલાઈ જશે. આ ઉપરાંત દેશમાં ચાલતી ૨૦ રાજધાની ટ્રેનના ટાઈમ પણ બદલાઈ જશે. આ રાજધાની ટ્રેન દેશના પાટનગરને અન્ય ભાગો સાથે જોડે છે.
અહેવાલો અનુસાર સમગ્ર દેશમાં લગભગ ૭,૦૦૦ ગાડી દોડે છે અને તેના પણ સમય બદલાઈ જશે. રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પીએમઓ તરફથી મળેલા ખાસ નિર્દેશ બાદ રેલવે મંત્રાલયે આ પહેલ પર કામ કરવાનું શરૃ કરી દીધું છે. રેલવેના આ નિર્ણયમાં માત્ર ટાઈમિંગ જ નહીં, પરંતુ તેના કેટલાક રૃટ્સમાં પણ ફેરફાર કરાશે. જે રૃટ જર્જરિત થઈ ગયા છે અને પાટા પર સ્પીડ લિમિટ છે અથવા રાજધાની જેવી ગાડીઓને પણ સાવચેતીથી કાઢવામાં આવે છે એવા રૃટ પર ફેરફાર કરવામાં આવશે કે જેથી મુખ્ય ટ્રેક પર ચાલતી ટ્રેનોને યોગ્ય સમયે દોડાવી શકાય અને રાજધાની- સુપરફાસ્ટ ટ્રેનને લેટ પડતી અટકાવી શકાય. આ ઉપરાંત ટ્રેનના ટાઈમિંગ એવી રીતે બદલવામાં આવશે કે જેથી દરેક ટ્રેક પર ત્રણથી ચાર કલાક કામ કરવાનો સમય મળે અને ગાડીઓ મોડી પડે નહીં.