RBIએ આ 2 બેંકો પર લગાવી પેનલ્ટી, જાણો શા માટે લગાવવામાં આવ્યો છે આ દંડ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લાદવામાં આવેલી કડકતા છતાં બેંકો દ્વારા નિયમોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે RBIએ ઘણી બેંકો પર દંડ પણ લગાવ્યો છે. આવી જ એક કાર્યવાહી મહારાષ્ટ્રની વસઈ વિકાસ સહકારી બેંક પર કરવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 26 ઓક્ટોબરે વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે સહકારી બેંકો પર નાણાકીય દંડ લાદ્યો હતો. આ બે બેંકો વસઈ વિકાસ સહકારી બેંક, મહારાષ્ટ્ર અને નાગરિક અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., જલંધર, પંજાબ છે. રિઝર્વ બેંકે મંગળવારે કહ્યું કે તેણે મહારાષ્ટ્રની વસઈ વિકાસ સહકારી બેંક પર અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમાં લોનનું બેડ લોન (NPA) તરીકે વર્ગીકરણ અને અન્ય સૂચનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નાગરિક અર્બન કો-ઓપરેટિવ બેંક પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ, જોગવાઈના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કારણોસર દંડ લાદવામાં આવ્યો છે
રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકે ઉધાર ખાતાઓમાં ભંડોળના અંતિમ ઉપયોગની ખાતરી કરવા અને લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ અથવા NPA તરીકે વર્ગીકૃત કરવાની તેની સૂચનાઓનું પાલન કર્યું નથી. બેંકે એ સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈના ચોક્કસ નિર્દેશનું પણ પાલન કર્યું ન હતું કે બેંકના ખાતા અને નફા-નુકશાનની ચોપડીઓ તેના ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટરો દ્વારા સહી કરવી જોઈએ.
રિઝર્વ બેંકે કહ્યું કે બેંકના વૈધાનિક નિરીક્ષણ, તેના નિરીક્ષણ અહેવાલ અને બેંકની નાણાકીય સ્થિતિને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહાર 31 માર્ચ, 2019 ના રોજ તપાસ્યા બાદ આ ખુલાસો સામે આવ્યો છે.
PPBL પર 1 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે
અગાઉ, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (પીપીબીએલ) પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. 1 ઑક્ટોબર, 2021 ના રોજના આદેશ અનુસાર, કેન્દ્રીય બેંકે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દંડ પેટીએમ પેમેન્ટ બેંક પર પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, 2007 (પીએસએસ એક્ટ)ની કલમ 26 (2) હેઠળના ગુના માટે લાદવામાં આવી રહ્યો છે.