ભારત ભલે કેશલેસ પેમેન્ટના વધતા વલણ તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ આજની 100 રૂપિયાની નોટ રોકડ વ્યવહારો માટે સૌથી વધુ પસંદ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રિપોર્ટ અનુસાર, 2,000 રૂપિયાની નોટ વ્યવહારો માટે સૌથી ઓછી પસંદ કરવામાં આવી છે જ્યારે 500 રૂપિયાની નોટોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અસલી અને નકલી નોટોને ઓળખવાની વાત કરીએ તો, ભારતમાં લગભગ 3 ટકા લોકો તેને ઓળખવામાં સંપૂર્ણપણે અસમર્થ છે, જ્યારે 97 ટકા લોકો માત્ર મહાત્મા ગાંધીની તસવીર, વોટરમાર્ક અથવા સુરક્ષા થ્રેડથી જ વાકેફ છે.
28 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ જાણવા મળ્યું. સાથે જ આ સર્વેમાં આ બાબતો પણ જાણવા મળી કે કઈ નોટ કે સિક્કાનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. અને લોકો કેમ કેશલેસ પેમેન્ટને બદલે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે.
5 રૂપિયાના સિક્કાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે
સિક્કાની વાત કરીએ તો રોકડ વ્યવહારો માટે 5 રૂપિયાના સિક્કાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે જ સમયે, લોકોને 1 રૂપિયાનો સિક્કો પસંદ નથી આવી રહ્યો.
રોકડનો ઉપયોગ કરવાના કારણો
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના અર્થશાસ્ત્રી અય્યાલા શ્રી હરિ નાયડુના જણાવ્યા અનુસાર, 100 રૂપિયાની નોટના વધુ પ્રચલિત ઉપયોગનું એક કારણ લોકોની ઓછી આવક છે. આયલા શ્રી હરિ નાયડુએ કહ્યું કે આપણા દેશમાં 90% લોકોની આવક ઓછી છે જેના કારણે તેઓ સામાન્ય રીતે 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીનો સામાન ખરીદે છે અને આવી સ્થિતિમાં લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને બદલે રોકડ આપવાનું પસંદ કરે છે.
દેશમાં રોકડમાં વધારો
રિપોર્ટ અનુસાર, 2021-22 દરમિયાન રોકડની માત્રામાં 5 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ 34.9% હોલ્ડિંગ રૂ 500નું હતું. IIT ખડગપુરમાં અર્થશાસ્ત્રના સહયોગી પ્રોફેસર ગૌરીશંકર એસ હિરેમથ કહે છે કે કોરોના રોગચાળા દરમિયાન લોકો કટોકટી માટે નાણાં સંગ્રહિત કરવાના અહેવાલો હતા. જેના કારણે નોટોની સંખ્યામાં વધારો થયો છે.