ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોના પોજીટીવ કેસોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, એવામાં નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. ત્યારે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉના આયોજન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન થવાનું છે, તે કોરોના પ્રોટોકોલના પાલન સાથે કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ સાથે જરૂરી પરામર્શ કરીને ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ તકે આરોગ્ય મંત્રીને કોરોના કેસમાં સતત વધારો થતા શું રાજ્યમાં ફરીથી લૉકડાઉન આપવામાં આવશે તેવો પ્રશ્ન પૂછાતા તેમણે ખુબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, “હાલમાં ગુજરાત સંપૂર્ણ ખુલેલુ છે અને ખુલ્લુ રહે તે ઈચ્છનીય છે. જોકે કોરોનાની બીજી લહેરમાં આપણે થોડા પાછા પડ્યા હતા. પરંતુ હવે ફરીથી આવી સ્થિતિનું નિર્માણ થાય તો તે આપણને પોસાય તેમ નથી. ગુજરાતમાં લોકડાઉનને લઈને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં હાલ લૉકડાઉન અંગેની કોઈ જ વિચારણા નથી. સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે ધંધા-રોજગાર બંધ કરવા પોસાય તેમ નથી.
આ તકે લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, મારી તમામ લોકોને વિનંતી છે કે, પોતે પોતાના પરિવારને બચાવવા માટે લોકો સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરે. જો કોઈ નવી SOP જાહેર થશે, તો તે અંગે રાજ્યના નાગરીકોને જણાવવામાં આવશે. આજથી કોરોના સામેની જંગ જીતવા માટે 15 થી 18 વર્ષનાં કિશોરોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ થઈ ગયું છે, અને ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવામાં આવશે.