ગાંધીનગર- ગુજરાત સરકારે રાજ્યની મેડીકલ કોલેજો તેમજ હોસ્પિટલોમાં ખાલી પડેલી બેઠકો પર કરાર આધારિત નિયુક્તિ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પ્રમાણે તબીબી શિક્ષકોને વિવિધ કક્ષાના પગાર આપીને નિયુક્ત કરાશે. આ ભરતીમાં તબીબી શિક્ષકો તેમની પ્રેક્ટિસ કરી શકશે અને પ્રેક્ટિસ વિના પણ નિયુક્તિ મેળવી શકશે.
રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં તબીબી શિક્ષકોની અછત પ્રવર્તી રહી છે જેના કારણે દર્દીઓની સારવાર અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર પડે છે. મેડીકલ કોલેજોમાં યુજી તેમજ પીજીની બેઠક માટે જરૂરી માન્યતાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આવી ખાલી જગ્યાઓ નિયમિત ધોરણે ના ભરાય ત્યાં સુધી એડહોક નિમણૂક તેમજ કરાર આધારિત નિમણૂક જેવી પદ્ધતિઓથી ભરવામાં આવે છે.
આરોગ્ય પરિવાર વિભાગે તબીબી શિક્ષણ પ્રભાગ હસ્તકની તબીબી, દંત મહાવિદ્યાલયો અને સંકલ્ન શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ પર એડહોક ધોરણે નિમણૂક આપવાની સત્તા આપી છે. આ જગ્યાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટથી ભરવામાં આવશે.
આ જગ્યાઓ પર નિયુક્તિ આપવા માટે સરકારે પસંદગી સમિતિની રચના કરી છે જેમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગના અધિક કે સંયુક્ત સચિવ, તબીબી શિક્ષણના અધિક નિયામક તેમજ ચીફ પર્સોનલ ઓફિસરનો સમાવેશ કર્યો છે.
કરાર આધારિત નિમણૂકો મેળવનારા તબીબી શિક્ષકો પૈકી વર્ગ-1ના પ્રાધ્યાપકને પ્રેક્ટિસ વિના 184000 અને પ્રેક્ટિસ સાથે 160000 રૂપિયાનો પગાર પ્રતિમાસ આપવામાં આવશે. વર્ગ-1ના સહ પ્રાધ્યાપકને પ્રેક્ટિસ વિના 167500 રૂપિયા અને પ્રેક્ટિસ સાતે 150000 રૂપિયાનો પગાર અપાશે. વર્ગ-1ના મદદનીશ પ્રાધ્યાપકને અનુક્રમે 89400 રૂપિયા અને 75000 રૂપિયા અપાશે જ્યારે વર્ગ-2ના ટ્યુટરને પ્રેક્ટિસ વિના 69300 રૂપિયા અને પ્રેક્ટિસ સાથે 55000 રૂપિયા અપાશે