વાયુ પ્રદૂષણના કારણે ફેફસાં અને હૃદય સંબંધિત બીમારીઓ થતી હોવાનું જાહેર છે પરંતુ એક નવા અભ્યાસ પ્રમાણે સંશોધકોએ વાયુ પ્રદૂષણના કારણે ગર્ભપાતનું જોખમ વધતું હોવાનો દાવો કર્યો છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવનાર નવજાત બાળકના માથા પર વ્યાપક પ્રભાવ પડતો હોવાનું તારણ સલ્ફર ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડની માત્રા વધારે હોય તેવી હવાના સંપર્કમાં રહેવાથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થઈ શકે
સંશોધકોએ વાયુ પ્રદૂષણના કારણે ગર્ભવતી મહિલાની જાણ બહાર તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થતું હોવાનો અને ગર્ભપાતનું જોખમ વધતું હોવાનો દાવો કર્યો છે. અગાઉ થયેલા એક સંશોધનમાં વાયુ પ્રદૂષણ અને ગર્ભાવસ્થાની જટિલતા વચ્ચે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ચીનની વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ વાયુ પ્રદૂષણના કારણે ગર્ભાવસ્થામાં પડનારી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ નેચર સસ્ટેનેબિલિટી નામના એક જર્નલમાં પ્રકાશિત થયેલો છે.
અભ્યાસ દરમિયાન સંશોધકોને સલ્ફર ડાયોક્સાઈડ, ઓઝોન, કાર્બન મોનોક્સાઈડની માત્રા વધારે હોય તેવી હવાના સંપર્કમાં રહેનારી ગર્ભવતી મહિલામાં ગર્ભપાતનું જોખમ વધે છે. તેવું જાણવા મળ્યું હતું. સંશોધકોના મતે વાયુ પ્રદૂષણ એટલી હદે જોખમી છે કે તેના સંપર્કમાં આવવાથી બાળકનું ગર્ભમાં જ મોત થઈ જાય છે.
ચીનની ચાર યુનિવર્સિટીના સંશોધકોએ ચાઈનીઝ સાયન્સ એકેડમી સાથે મળીને 2009થી 2017 દરમિયાન 2.5 લાખ ગર્ભવતી મહિલાઓની તપાસ કરી હતી અને તેના આધારે ગર્ભસ્થ શિશુ માટે વાયુ પ્રદૂષણ ખૂબ જોખમી હોવાનું તારણ રજૂ કર્યું હતું.
એન્વાયરમેન્ટલ હેલ્થ પરસ્પેક્ટિવ નામના એક જર્નલમાં પ્રકાશિત અન્ય એક અહેવાલ પ્રમાણે વાયુ પ્રદૂષણના કારણે ચિંતા અને તણાવ જેવા વિકારો બાળકને વધારે ઘેરે છે. જે બાળકો સ્લમ વિસ્તારમાં રહેતા હોય તેમના સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણ સૌથી વધારે અસર કરે છે. વાયુ પ્રદૂષણના કારણે નવજાત બાળકોના મસ્તિષ્ક પર વ્યાપક પ્રભાવ પડે છે.