મોસ્કો: રશિયાના અબજોપતિ એન્ડ્રી સિમાનોવ્સકીએ જે સ્કૂલમાં અભ્યાસકર્યો હતો, તેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. તેમણે સ્કૂલને રાજમહેલમાં ફેરવી દીધી છે. તેમની નવી સ્કૂલના ફોટોઝ સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે. એન્ડ્રી ‘106 સેકન્ડરી’ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીની સાથે બિઝનેસમેન પણ છે.
એન્ડ્રીએ સ્કૂલમાં માર્બલ અને સોનાની દીવાલો અને બાથરૂમમાં એડવાન્સ બેસિન લગાવ્યા છે. સ્કૂલની છત પર સોનના ઝુમ્મર જોઈને એવું લાગે છે કે, જાણે કોઈ સ્કૂલમાં નહીં પણ કોઈ પેલેસમાં ઊભા હોઈએ. એન્ડ્રી નાનપણથી પૈસાદાર બનવા માગતા હતા, તેમનું સપનું હતું કે તે પોતાની સ્કૂલને રાજમહેલની જેમ સજાવે અને જે તેમણે પૂરું કર્યું છે.
સ્કૂલના મોટા ભાગમાં કામ પૂરું થઈ ગયું છે. હાલ ક્લાસ અને કાર્યલયમાં કામ ચાલી રહ્યું છે. એન્ડ્રીએ કહ્યું કે, હું માત્ર સ્કૂલની બિલ્ડીંગ જ નહીં, પણ સ્પોર્ટ્સનું મેદાન અને જીમનું પણ રિનોવેશન કરાવવા માગું છું.
તો બીજી તરફ સ્કૂલના અધિકારીઓએ કહ્યું કે, આ સ્કૂલની કાયાપલટને લીધે હવે વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ વધી ગયો છે. દરેક લોકો અમારી સ્કૂલ જોવા આવી રહ્યા છે. સ્કૂલને રાજમહેલમાં બદલવા બાબતે એન્ડ્રીએ કહ્યું કે, આ પ્રકારની સ્કૂલ જોઈને વિદ્યાર્થીઓને ભણવાની વધારે મજા આવશે, તેમનો મૂડ સારો રહેશે.