દેશના સૌથી મોટા IPO LIC બાદ હવે વધુ એક IPO માર્કેટમાં આવવાનો છે. રૂસ્તમજી ગ્રૂપની કંપની કીસ્ટોન રિયલ્ટર્સે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 850 કરોડ એકત્ર કરવા માટે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે.
ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર, IPO હેઠળ રૂ. 700 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ રૂ. 150 કરોડ સુધીની ઑફર ઑફ સેલ (OFS) લાવશે. OFSમાં બોમન રૂસ્તમ ઈરાની, પર્સી સોરાબજી ચૌધરી અને ચંદ્રેશ દિનેશ મહેતા દ્વારા અનુક્રમે રૂ. 75 કરોડ, રૂ. 37.5 અને રૂ. 37.5 કરોડમાં શેરનું વેચાણ સામેલ છે.
તાજેતરમાં બજાર નિયામક સેબીએ IPOમાં બિડિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ હવે માત્ર અમુક લોકો જ IPOમાં રોકાણ કરી શકશે. સેબીના નવા નિયમો અનુસાર હવે માત્ર એવા રોકાણકારો જ પબ્લિક ઈશ્યૂ એટલે કે આઈપીઓ માટે બિડ કરી શકશે, જેઓ ખરેખર કંપનીના શેર ખરીદવા ઈચ્છે છે.
વાસ્તવમાં, સેબીને જાણ થઈ હતી કે કેટલાક સંસ્થાકીય અને શ્રીમંત રોકાણકારો (HNIs) IPOનું સબ્સ્ક્રિપ્શન વધારવા માટે બિડ કરી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણ કરવાનો નથી પરંતુ સબ્સ્ક્રિપ્શન વધારવાનો છે. આવી સ્થિતિમાં સેબીએ કડક પગલાં ભરવા પડશે. સેબીના આ નવા નિયમ સાથે, સબસ્ક્રિપ્શન ડેટા વધારવા માટે બિડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
નવા નિયમો 1 સપ્ટેમ્બર, 2022થી અમલમાં આવશે. ગયા અઠવાડિયે જ સેબી દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, IPO માટેની અરજી ત્યારે જ આગળ લેવામાં આવશે જ્યારે તેના માટે જરૂરી ભંડોળ રોકાણકારોના બેંક ખાતામાં હાજર હોય.