વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ બુધવારે અહીં માજી ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ લી શૂએરુઇ વિરુદ્ધ સરળતાથી જીત મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું, તેની સાથે જ બી સાઇ પ્રણીત અને પારુપલ્લી કશ્યપે પણ પહેલા રાઉન્ડની મેચ જીતીને આગેકૂચ કરી હતી, જો કે સાઇના નેહવાલ પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ હતી.
સિંધુએ લી શુએરુઇને માત્ર 34 મિનીટમાં જ 21-18, 21-12થી હરાવીને આગેકૂચ કરી હતી. આ ખેલાડી સામે સિંધુનો આ ચોથો વિજય રહ્યો હતો. જ્યારે તે 3 મેચ હારી હતી. સાઇના નેહવાલ વિશ્વની 19મી ક્રમાંકિત ખેલાડી થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે 44 મિનીટમાં 10-21, 17-21થી હારી ગઇ હતી.
પુરૂષ સિંગલ્સમાં પ્રણીતે થાઇલેન્ડના સુપાન્યુ અવિહિંગસેનોન સામે ત્રણ ગેમની લડત લડીને પછી વિજય મેળવ્યો હતો. પ્રણીતે સુપાન્યુને 21-19, 21-23, 21-14થી હરાવ્યો હતો. જ્યારે કશ્યપે ફ્રાન્સના બ્રીસ લેવાર્ડઝને માત્ર 38 મિનીટમાં 21-12, 21-15થી હરાવીને આગેકૂટ કરી હતી.