વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ ચીન ઓપનમાં હારી જવાની નિરાશાને ખંખેરીને હવે મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટથી આ સિઝનમાં બીડબલ્યુએફ વર્લ્ડ ટૂરનું ટાઇટલ જીતવા માટેની પોતાની કવાયત શરૂ કરશે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ગત અઠવાડિયે સિંધુ ચીન ઓપનના બીજા રાઉન્ડમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે હારી ગઇ હતી.
કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં સિંધુનો સામનો અમેરિકાની બીવેન ઝાંગ સામે થશે. બિવેનને સિંધુએ બાસેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરાવી હતી. જો કે ચીનમાં જન્મેલી આ શટલર વિરુદ્ધ સિંધુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ગત વર્ષે બિવેને સિંધુને બે વાર હરાવી હતી, પહેલા રાઉન્ડમાં જીત પછી સિંધુને ચોચુવાંગ સામે બદલો લેવાની તક મળી શકે છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલી સાઇના નેહવાલ પણ આ ટુર્નામેન્ટથી પોતાનું ફોર્મ પાછુ મેળવવા માગશે.