ગુજરાતના નાગરિક હવાઈ ઉડ્ડ્યન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનીં માંગ વધી છે. એક સમય હતો કે જ્યારે લોકો માત્ર રેલ કે બસ સેવા પર જ નિર્ભર રહેતા હતા, પણ આજે ઝડપી યુગમાં લોકોની માંગ અને જરૂરિયત વધી છે. સાથે સાથે ઉધ્યોગ-ધંધા વધવાની સાથે વિકાસની ઝડપ પણ વધી છે ત્યારે યાતાયાતની સુવિધામાં હવાઈ સેવાનો ઉપયોગ પણ વધ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા શરૂ કરવામાં આવી છે.
મંત્રી પૂર્ણશે મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદી માસ ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેકનોલોજીની સદી છે. ગામ ગામ વચ્ચે અને શહેર-શહેર વચ્ચે યાતાયાતની સુદ્રઢ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. કોઈપણ શહેર, રાજય અને દેશના વિકાસ માટે સૌપ્રથમ માસ ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ જરૂરી છે. આજે વેપાર ઉદ્યોગ માટે એર કનેક્ટિવિટી અનિવાર્ય બની ચુકી છે. રાજ્યમાં આગામી સમયમાં ૩૫૦ કિ.મિ.ના રૂ ૧,૬૦૦ કરોડના ખર્ચે નવ પ્રગતિપંથવાળા રસ્તાઓનું નિર્માણ કરાનાર છે. પ્રવાસનો અને યાત્રાધામોમાં પણ લોકોની અવરજવર વધી છે ત્યારે ઝડપથી પહોંચવા એર કનિકટીવીટી શ્રેષ્ઠ વિકલ્પ છે.
આવનારા દિવસોમાં અમદાવદથી ભુજ અને ભુજ થી અમદાવાદ ઉપરાંત અમદાવાદ રીવરફ્રન્ટથી કેવડીયા અને પરત માટેના આયોજનો છે. આગામી સમયમાં રાજ્યના દરેક તાલુકામાં હેલીપેડ બને તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. છ જેટલા હેલીપોર્ટ પણ બનનાર છે. સાથે સાથે નાની મોટી ૧૫ થી ૧૭ જેટલી એર સ્ટ્રીપ માટે સર્વગ્રાહી આયોજન હાથ ધરાયું છે.