સુરત : શહેરમાં કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા અને આઈટીના દરોડામાં રૂપિયા એક કરોડથી વધુની નવી ચલણી નોટો સાથે પકડાયેલા ઉધનાના ફાયનાન્સર કિશોર ભજિયાવાલાના કેસમાં જમીનોના સોદા કરનારા ૨૫ જણાને આઈટી વિભાગે સમન્સ પાઠવીને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ નોટબંધી દરમિયાન રૂ. ૧.૦૬ કરોડની નવી ચલણી નોટો સાથે આઈટીની રેડમાં ઝડપાયેલા ઉધનાના ફાઈનાન્સર કિશોર ભજિયાવાલા કેસમાં છેલ્લા ઘણા સમયથી તપાસ સ્થગિત થઈ ગઈ હતી, પરંતુ હવે આવકવેરાના અધિકારીઓ દ્વારા ભજિયાવાલાની ઓફિસમાંથી ઝડપાયેલા ચોપડાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે. ભજિયાવાલા સાથે જમીન-મિલકતના સોદા કરનાર ૨૫ જણને આઈટી દ્વારા સમન્સ પાઠવી નિવેદન માટે તેડું મોકલવામાં આવ્યું છે, જે પૈકી ૭ જણ નિવેદન નોંધાવી ગયા છે. આ નિવેદનોના આધારે આવકવેરા વિભાગે ભજિયાવાલા તેમ જ તેની સાથે સંકળાયેલાઓ સામે પ્રોસિક્યુશનના કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ગયા નવેમ્બર ૨૦૧૭માં વડા પ્રધાને રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મૂક્યો ત્યાર બાદ કિશોર ભજિયાવાલા પર સુરત આવકવેરાની ડીઆઈ વિંગ દ્વારા રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક કરોડથી વધુની નવી ચલણી નોટો ઉપરાંત અનેક દસ્તાવેજ, સાટાખત મળી આવ્યાં હતાં. જેના આધારે આઈટીએ સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરી હતી. ઈડીએ પણ ભજિયાવાલા વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી અને કિશોર ભજિયાવાલાના મોટા પુત્ર જિજ્ઞેશની ધરપકડ કરી હતી. ઈડીની તપાસના લીધે આઈટીની તપાસ અટકી પડી હતી, પંરતુ હવે ફરી એકવાર આઈટીની તપાસમાં ગતિ આવી છે.
ગત મહિને ભજિયાવાલા પરિવારના નિવેદનો નોંધવાની પ્રક્રિયા આઈટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ખાસ સફળતા મળી નહોતી. તેથી આઈટીના અધિકારીઓએ ભજિયાવાલાની ઓફિસમાંથી મળેલા સાટાખત, દસ્તાવેજોના આધારે તપાસ આગળ ધપાવી છે.
ભજિયાવાલા સાથે જમીન-મિલકતના સોદા પાડનારા ૨૫ જણને સમન્સ મોકલ્યા છે તે પૈકી ૭ જણા નિવેદન નોંધાવી ગયા છે. આઈટી સૂત્રો કહે છે કે થર્ડ પાર્ટી ઈન્કવાયરી હાલ ચાલી રહી છે. સાતેક જણ નિવેદન નોંધાવી ગયા છે, જેમાં ભજિયાવાલા સાથે જમીન-મિલકતના સોદા કર્યાનું તેઓએ સ્વીકાર્યું છે. કરોડોની જમીન-મિલકતના આ સોદા માટે ભજિયાવાલા પાસે રૂપિયા ક્યાંથી આવ્યા? તે મુદ્દે તપાસ આગળ ધપશે. પાંચેક જેટલી પ્રોસિક્યુશન દાખલ થવાની શક્યતા છે.