હાલ કોરોના ની સર્જાયેલી સ્થિતિમાં લોકડાન દરમ્યાન પશુ-પક્ષીઓ ની હાલત ખુબજ દયનિય બની છે ત્યારે ભોજનની વ્યવસ્થા માટે શરૂ કરાયેલા એક કાર્યક્રમમાં સુરત ના ડેપ્યુટી મેયર નિરવ શાહ સહિતના 50 લોકો સમુહમાં જૈન આચાર્યના દર્શન કરવા ભેગા થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ડેપ્યુટી મેયર નિરવ શાહે જણાવ્યું કે, કોરોનાના આંતક વચ્ચે ભુખ્યા રહેતા ગાય, ભેંસ, પશુ અને પક્ષીઓ માટે પાલમાં આજથી ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી હોઇ ગુરુભગંવત ત્યાં જ હોવાથી માત્ર માંગલિક આપવા આવ્યા હતા. માનવ સેવા સાથે જીવદયાનું કામ કરવા અમે એકત્ર થયા હતા. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયુ હતું. જો ક્યાંકને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થયું હોઇ તો હું દિલગીરી વ્યકત કરૂ છે. ભવિષ્યમાં ધ્યાન રાખવામાં આવશે.
ડેપ્યુટી મેયરે જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યક્રમમાં સમુહમાં હાજરી આપી હોઇ અને જો ગુનો બનતો હોઇ તો ફરિયાદ થવી જોઈએ અને આ અંગે નિરવ શાહને ઠપકો આપી ખુલાસો માંગવામાં આવશે. તેમ ભાજપ પ્રમુખ નિતીન ભજિયાવાળા એ જણાવ્યુ હતુ.
વાઈરલ વીડિયો અંગે તપાસ કરતા વીડિયો આજનો જ હોવાનું જાણવા મળ્યું છે. આજ રોજ અડાજણ ગુરૂ રામપાવનભૂમિ ખાતે કોરોનાના આંતક વચ્ચે ભુખ્યા રહેતા પશુ અને પક્ષીઓને ખોરાક પુરો પાડવા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ-સુરત દ્રારા સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. જેમાં જૈન આચાર્ય પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ ડેપ્યુટી મેયર નિરવ શાહ સાથે સમૂહમાં જૈન આચાર્યના દર્શન કર્યા હતા. ત્યારબાદ સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. આમ સુરત માં આ વીડિયો એ ભારે ચકચાર જગાવી છે.