ટોચના ભારતીય શટલર સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત ગુરૂવારે અહીં થાઇલેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં હારીને આઉટ થઇ ગયા હતા. સાઇના જાપાનની બિન ક્રમાંકિત સયાકા તાકાહાશી સામે હારી ગઇ હતી, જ્યારે શ્રીકાંતનો સ્થાનિક ખેલાડી ખોસિત ફેતપ્રદબ સામે પરાજય થયો હતો. જા કે સાઇ પ્રણીતે પુરૂષ સિંગલ્સમાં પોતાની બીજા રાઉન્ડની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
7મી ક્રમાંકિત સાઇનાની કોર્ટ પર વાપસીનો પ્રવાસ વહેલો પુરો થઇ ગયો હતો. સાઇના બે મહિના પછી કોર્ટ પર પાછી ફરી હતી. સાઇનાઍ પોતાની પહેલી ગેમ જીતી લીધી હતી, જો કે તે પોતાને મળેલી આ સરસાઇનો ફાયદો ઉઠાવી શકી નહોતી અને 48 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં તે તાકાહાશી સામે 21-16 11-21. 14-21થી હારી ગઇ હતી. શ્રીકાંતનો ખોસિત સામે 21-11, 16-21 12-21થી પરાજય થયો હતો. તેણે પણ પહેલી ગેમ સરળતાથી જીતી લીધી હતી. પણ તે પછીની બે ગેમમાં તે પોતાનુ પ્રભુત્વ જાળવી શક્યો નહોતો અને અંતે તે મેચ હારી ગયો હતો.
પ્રણીતે પોતાના જ દેશના શુભંકર ડે સામે 21-18, 21-19થી વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તે સાતમા ક્રમાંકિત કેન્ટા સુનેયામા સામે રમશે. ડબલ્સમાં ભારતીયો માટે સારા સમાચાર આવ્યા હતા. સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડીની અને ચિરાગ શેટ્ટીની જોડીઍ ફજર અલફિયાં અને મહંમદ રિયાન આર્દિયાતોની ઇન્ડોનેશિયાની જોડીને સીધી ગેમમાં 21-17, 21-19થી હરાવી હતી. ભારતીય જોડીનો સામનો હવે શુક્રવારે કોરિયાના ચોઇ સોલગ્યુ અને સિયો સેયુંગ જાઍની ક્વોલિફાયર જોડી સાથે થશે.