આપણામાંથી ઘણા લોકોને ઇંજેક્શનનો ડર લાગતો હોય છે. એવા પણ લોકો હોય છે જેઓ બંદૂકથી ન ડરતા હોય પરંતુ તેમને સોઇથી અણીથી ડર લાગતો હોય છે. ત્યારે આવા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. આઇઆઇટી ખડગપુરના સંશોધકોએ એક સૂક્ષ્મ સોઇ બનાવી છે. જેની મદદ વડે દુ:ખાવા વગર શરીરમાં દવા પહોંચાડી શકાશે. દવાના અણુઓને સરળતાથી સોઇની મદદ વડે શરીરમાં પહોંચાડી શકાશે. આઇઆઇટી ખડગપુરે શનિવારે આ અંગે માહિતિ આપી છે.
સોઈનો વ્યાસ ઘટાડ્યો પણ સાથે બનાવી મજબૂત સોઈ
સંસ્થાના ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગે સોઇના વ્યાસનો તો ઘટાડ્યો છે, પરંતુ સાથે તેને મજબૂત પણ બનાવી છે. ત્વચામાં ગયા બાદ સોઇ તૂટી ના શકે તે માટે તેને મજબૂત પણ બનાવવામાં આવી છે. ભવિષ્યમાં કોરોના વેક્સિનેશન માટે પણ આ સોઇનો ઉપયોગ કરી શકાશે.
આગામી સમયમાં કોરોના અને કેન્સર જેવા રોગોમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે
આ શોધના મુખ્ય સંશોધક પ્રોફેસર તરુણ કાંતિ ભટ્ટાચાર્યએ કહ્યુ કે આ સોઇનો ઉપયોગ લસીકા પ્રણાલી ઇન્સુલિન વિતરણ અથવા તો કોઇ અન્ય બિમારીના મેડિકેશન માટે પણ ઉપયોગ થઇ શકે છે. જેમાં કેન્સરના કેટલાક પ્રકાર અને કોરોના વાયરસનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે અમે ગ્લાસ કાર્બન માઇક્રોનીડલ તૈયાર કરી છે. આ સોઇની ડિઝાઇન એવી છે કે તે નિયંત્રિત અને સટીક રીતે દવાના અણુને શરીરમાં પહોંચાડે છે.
ઘણા પ્રકારના સંશોધન બાદ આ સોઇ તૈયાર કરવામાં આવી છે. આ સોઇનો પ્રયોગ પશુઓ પર કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ સફળ પણ રહ્યું છે. હવે સંશોધકોએ તેના પેટન્ટ માટે અરજી કરી છે.