નવી દિલ્હીઃ દેશની સરકારી કે ગ્રામીણ બેંકના ગ્રાહકો માટે આ સમાચાર મહત્વના છે. કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત પણ જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નોંધનીય છે કે, ગુરૂવાર 11 માર્ચે મહાશિવરાત્રિ હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાલ છે, જેના કારણે પણ બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 5 દિવસ સુધી બંધ રહેશે.
કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બેંકોના કર્મચારી હડતાલ કરી રહ્યા છે. સરકારી બેંકોને પ્રાઇવેટ કરવાની યોજનાનો આ તમામ કર્મચારી વિરોધ કરી રહ્યા છે. આ કારણથી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના યૂનિયને આગામી 15 અને 16 માર્ચે હડતાલ પર જવાની નોટિસ આપી છે.
વિશેષમાં આ હડતાલનું આહવાન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન આપ્યું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓના લગભગ તમામ સંગઠન સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ બેંક પણ આ હડતાલમાં સામેલ થવાની છે.
9 બેંક યૂનિયનના કેન્દ્રીય સંગઠન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ બંધનું આહવાન કર્યું છે. આ હડતાલના કારણે સરકારી બેંકોનું કામકાજ ઘણું પ્રભાવિત થશે. એવામાં બેંકના પોતાના જરૂરી કામ તમે 13 માર્ચ પહેલા જ પૂરા કરી લેવા જોઈએ.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કામકાજ ઉપર પણ આ હડતાલની અસર જોવા મળશે. બેંકે તેની જાણકારી સ્ટોક એક્સચેન્જને આપી છે.