ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ 900થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ, Xiaomiએ આર્થિક મંદી વચ્ચે તેના લગભગ 3 ટકા કર્મચારીઓની છટણી કરી દીધી છે. જોકે, Xiaomiએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી.
કંપનીએ બીજા ક્વાર્ટરમાં આવકમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. Xiaomiનું વેચાણ વાર્ષિક ધોરણે 20% ઘટીને 70.17 બિલિયન યુઆન ($10.31 બિલિયન) થયું છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે સ્માર્ટફોન નિર્માતાની ચોખ્ખી આવક 67% ઘટીને 2.08 અબજ યુઆન થશે.
Xiaomiના પ્રમુખ વાંગ જિયાંગે અર્નિંગ કોલ પર કહ્યું, “રોગચાળાએ ફરી એકવાર ચીનના બજારને અસર કરી છે, તેથી માંગ અને પુરવઠા બંનેમાં ઘટાડો થયો છે.” વાંગે જણાવ્યું હતું કે ઈંધણની વધતી કિંમતો, ખર્ચ અને ફુગાવાને કારણે વિદેશમાં વેચાણને પણ અસર થઈ છે. વેચાણ અને પ્રમોશન દ્વારા ઇન્વેન્ટરી સાફ કરવાના દબાણના પરિણામે ચોખ્ખો નફો ઘટ્યો હતો.