અલાર્મ અને કારના હોર્નના અવાજથી કેટલાક લોકોને ઇરિટેશન (ચીડ આવવી) થાય છે. અલાર્મમાં ગમે તેવી મન પસંદ ટયૂન સેટ કરવાથી પણ તેના અવાજથી ઇરિટેશન થાય છે. આ ઇરિટેશનનું કારણ અલાર્મના અવાજની ફ્રિક્વન્સી અને તેની મગજ પર અસરને લીધે થાય છે. ‘નેચર કમ્યૂનિકેશન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચમાં અલાર્મ સહિતના વિવિધ અવાજ અને મગજ પર તેની અસર પર અધ્યયન કરવામાં આવ્યું હતું.
અલાર્મ, કારનું હોર્ન અને કિકિયારીનો અવાજ રિપિટિટિવ સાઉન્ડ ફ્લક્ચ્યુએશનથી બને છે, જેની ફ્રિક્વન્સી 40થી 80 હર્ટઝની હોય છે. આવા પ્રકારના અવાજથી મગજ અલગ પ્રકારે પ્રતિક્રિયા આપે છે.
40થી 80 હર્ટઝની ફ્રિક્વન્સીના અવાજ થી કેટલાક લોકોને ઇરિટેશન થાય છે. આ ઇરીટેશનનું કારણ જાણવા માટે જિનીવાના ન્યૂરો સાયન્ટિસ્ટ્સએ 16 વોલન્ટિયર પર રિસર્ચ કર્યું હતું. રિસર્ચ કરવા માટે વોલિયન્ટર્સને 0થી 250 હર્ટઝ સુધીના અવાજ સંભળાવવામાં આવ્યા હતા. આ અવાજથી તેમના પ્રતિભાવોનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનો અવાજ સાંભળવાથી ઉત્તેજિત થતાં મગજના ભાગનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં સામેલ લોકોનાં અવલોકન પરથી વૈજ્ઞાનિકોને માલુમ પડ્યું કે, અલાર્મ કારનું હોર્ન સહિતના 40થી 80 હર્ટઝના અવાજથી મગજને અસર પહોંચે છે, જેથી આ ફ્રિક્વન્સીના અવાજને સહન કરી શકાતો નથી.