કોરોના સમયમાં કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં ગૂગલ અને ફેસબુક દ્વારા તેમના કર્મચારીઓને આવતા વર્ષે જૂન સુધી ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે, ભારતની કંપની આરપીજી એન્ટરપ્રાઇઝ (RPG Enterprise) એ તેમને પાછળ છોડી દીધી છે. કંપનીએ તેના સેલ્સ કર્મચારીઓને ઘરેથી કાયમી કામ કરવાની મંજૂરી આપી છે. આવું કરનારી ભારતની પહેલી કંપની છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, આરપીજી એન્ટરપ્રાઇઝ ટાયર, આઈટી, આરોગ્ય, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાન્ટેશન ક્ષેત્રે ધંધો કરે છે. વર્ક ફ્રોમ હોમ અંગે કંપનીએ નવી પોલિસી ઘડી છે. આ અંતર્ગત કંપનીના કર્મચારીઓ કાયમી ધોરણે ઘરેથી કામ કરશે, જ્યારે 50 ટકા અન્ય કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવાની છૂટ મળશે. ખાસ કેસોમાં ઓફિસમાં કામ કરતા 75 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ મળી શકે છે.
ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મહિનામાં બે અઠવાડિયા ઘરેથી કામ કરી શકે છે અને ખાસ કેસોમાં તેમને ત્રણ અઠવાડિયા સુધી ઘરેથી કામ કરવાની છૂટ મળી શકે છે. હાલમાં ઓફિસમાં કામ કરતી કંપનીના તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે અને ગ્રૂપે તેની તમામ ઓફિસો બંધ કરી દીધી છે. કંપનીની નવી પોલિસી 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ પોલિસી આરપીજીના ગ્લોબલ ઓપરેશનંસ માટે પણ લાગુ થશે. વળી, આ નીતિ કારખાનાઓમાં અને વાવેતરમાં મશીન પર કામ ન કરતા કામદારોને પણ લાગુ પડશે. આરપીજી એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ હર્ષ ગોયેન્કાએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે હોમ પોલિસીથી અમારી કામ કરવાની પરંપરાગત કલ્પના તૂટી ગઈ છે. જે કર્મચારીઓ મશીનો પર કામ કરી રહ્યા નથી અને જે તકનીકી વ્યવસાયમાં ગ્રાહકોને મળવા માટે જવાબદાર નથી, તેઓ કોરોના સમયગાળા પછી પણ ગમે ત્યાંથી કાર્ય કરી શકે છે. આરપીજી એન્ટરપ્રાઇઝે વિશ્વભરમાં તેની કંપનીઓના 30,000 કર્મચારીઓને મોકલેલી એક નોંધમાં કહ્યું છે કે કર્મચારીઓને કામ કરવાની નવી રીત અપનાવવા માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે. આ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે અને ઉત્પાદકતામાં વધારો કરશે.