રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ સુધી મધ્યમથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સપ્તાહના અંતમાં દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ફરી એકવાર ઠંડીનું મોજું આવશે, જેના કારણે તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. તેના ચિહ્નો દિલ્હીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સવારે થોડું ધુમ્મસ હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેના કારણે વાહનો અને ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે સોમવારે રાત્રે પાંચ ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવી પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી કડકડતી ઠંડી રહેશે. પહાડો પરથી ફૂંકાતા પવનને કારણે દિવસ દરમિયાન શીત લહેરોની સ્થિતિ યથાવત રહી શકે છે. આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતાઓ છે. એટલું જ નહીં સપ્તાહના અંતમાં ફરી એકવાર કોલ્ડવેવના કારણે તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે ધુમ્મસને કારણે દિલ્હી જતી ઓછામાં ઓછી 21 ટ્રેનો પ્રભાવિત થઈ છે.
નોંધનીય છે કે જ્યારે લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે છે ત્યારે કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે. હવામાન વિભાગનું કહેવું છે કે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા જોવા મળી શકે છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને ઠંડા પવનોને કારણે કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે. હિમાચલ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ઠંડીનું મોજું જોવા મળી શકે છે.
ધુમ્મસના કારણે હિમાચલ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે. બીજી તરફ હવામાનની આગાહી જારી કરનાર ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. પહાડ હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાંથી બહાર આવ્યો નથી. કાશ્મીર ઘાટી તીવ્ર ઠંડીની લપેટમાં છે. સિયાચીનમાં તાપમાનનો પારો માઈનસ 30 ડિગ્રી જ્યારે લેહ અને કારગીલમાં માઈનસ 15 ડિગ્રી નોંધાયો છે. મેદાની વિસ્તારો પણ તેનાથી પ્રભાવિત થયા છે.