નવી દિલ્હી : જો તમે કરદાતા છો અને તમે તમારો પાન આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો જલ્દીથી કરાવો. જો તમે આ સમય ચૂકી જાઓ છો, તો તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે અને આ વખતે આધારને પાન સાથે જોડવાની તારીખ આગળ વધે તેવી સંભાવના ખુબ ઓછી છે. આપને જણાવી દઈએ કે 31 માર્ચે આધાર અને પાનને જોડવાની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારી દેવામાં આવી હતી. પરંતુ હવે સમયમર્યાદા આગળ વધવી મુશ્કેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સ વિભાગના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે હવે છેલ્લી તારીખ આગળ વધારવામાં આવશે નહીં. જે લોકો આધાર-પાનને લિંક કરવામાં અસમર્થ છે તેમને દંડ કરવામાં આવશે જે ખૂબ વધારે હશે.
લોકોના નાણાંકીય વ્યવહારોને વધુ સારી રીતે પારખવા માટે સરકારે આધાર અને પાનને જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. કરદાતાઓને વારંવાર પાન-આધાર લિંક કરવવા માટેનો સમય આપવામાં આવી રહ્યો છે.
જો કે એવા ઘણા લોકો છે જે આ કરી રહ્યા નથી. પરંતુ હવે આવા લોકોને દંડ ભરવો પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો કોઈ કરદાતા 30 જૂન, 2021 સુધીમાં પાન-આધારને લિંક કરશે નહીં, તો આ પછી, લિંક પર 1000 રૂપિયા દંડ લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આવકવેરા કાયદા 1961 માં તાજેતરમાં સરકારે ફેરફાર કરીને દંડની જોગવાઈ કરી છે. પાન-આધારને લિંક ન કરવા બદલ દંડ લાદવા માટે સરકારે આવકવેરા કાયદામાં નવી કલમ 234 એચ ઉમેરી છે.