કોલકાતા : પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાથી 15 કિલોમીટર દૂર સોડેપુરમાં બુધવારના રોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. અહીં ઢોલ અને શહેનાઈની ધામધૂમ વચ્ચે પંડિતજીના મંત્રોચ્ચાર વચ્ચે બે નાબાલિકના લગ્ન થયા અને આ લગ્નને અટકાવવા કોઈ સામાજિક કાર્યકર્તા કે કોઈ સામાજિક સંસ્થા પણ ન આવી. જીહા! ધામધૂમથી યોજાયેલા આ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ઝકોળાય અને લગ્નના આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા.આયોજકોએ વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વર અને કન્યાની સંભાળ રાખશે.
છેલ્લા 12 વર્ષથી પ્રણયે પોતાનું ઘર છોડ્યું નથી અને તેના જન્મના બે વર્ષ પછી, દેબારાતીએ પણ તેનો સાથ આપવાનું શરુ કર્યું. ખરેખર, પ્રણય અને દેબરાતી બંને વૃક્ષો છે અને નજીક નજીકમાં આ બંને વૃક્ષોનો વિકાસ થયેલો છે. પ્રણયને દત્તક લેનારી એટલે કે તેનો ઉછેર કરનારી સોમા નાગે જણાવ્યું હતું કે, પ્રણય એક વડનું વૃક્ષ છે. તેને 12 વર્ષ પહેલાં રોપવામાં આવ્યું હતું. બે વર્ષ પછી, પ્રણયની નજીક દેબરાતી (પીપળા)નો જન્મ થયો હતો. આ બંને વૃક્ષો સાથે અમારું જોડાણ ખુબ જ વધારે છે. ‘
બે હજાર મહેમાનોને આપવામાં આવી આમંત્રણ પત્રિકા
પ્રણય અને દેબરાતીના લગ્ન માટે બુધવારે સવારથી જ શરણાઈ વાગવાનું શરૂ થઇ ગયું હતું. 2000 મહેમાનોને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા હતા. પ્રણયને ધોતી – કુર્તા પહેરાવવામાં આવ્યા હતા અને દેબરાતીને બનારસી સાડી પહેરાવવામાં આવી હતી. બંને માત્ર 6 ફૂટના અંતરે હતા. શંખ વગાડવામાં આવ્યો અને પંડિતે મંત્રોચ્ચાર શરુ કર્યા.સ્થાનિક યુવાનોએ ઢોલ વગાડ્યા અને નવદંપત્તી સાથે સેલ્ફી ક્લિક કરી. હોંશે – હોંશે સૌકોઈ આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા.
આયોજક ગૌતમ દાસે કહ્યું કે, “ગોધૂલી લગ્ન એક બંગાળી લગ્નની જેમ જ હતા.” સુનીતિ સરકાર અને કમલ કન્યા દેબરાતીના માતાપિતા બન્યા હતા, જ્યારે સોમા અને તેના પતિ પ્રકાશ નાગ પ્રાણયના માતાપિતા બન્યા હતા. પરંપરા અનુસાર, નાગ પરિવારે સવારથી જ ઉપવાસ રાખ્યો હતો. લગ્ન માટે, રસોઈ, બેન્ડ પાર્ટી, શોભનકળાના નિષ્ણાત, વિડિઓગ્રાફર અને કન્યાના શણગાર માટે બ્યુટીપાર્લરવળી મહિલા પણ આવી હતી. ભોજનમાં મહેમાનોને મીઠાઈઓ અને ખીચડી પીરસવામાં આવી હતી.આ અનન્ય લગ્ન પછી તમામ જાનૈયાઓ તેમજ ઉપસ્થિત મહેમાનો લાગણીશીલ બની ગયા હતા.