આજકાલ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની જાણે કે હોડ લાગી છે. રીલ્સ પણ એવા કે જેમાં દરેકને બનાવતી વખતે એમ હોય કે મારુ રીલ સૌથી અલગ હોય અને સૌથી વધુ વાઇરલ થાય. તમે પણ ક્યારેક રીલ્સ બનાવ્યા જ હશે, ખરું ને?
ટીનેજરથી લઈને કોલેજીયન, દરેકને માનો કે એવું ઘેલું લાગ્યું છે રીલ્સ બનાવવવાનું કે એને બનાવવા માટે વિધિવત આયોજન કરીને દરેક બાબતને ઝીણવટભરી રીતે ગોઠવીને તેને બનાવાય છે. અમુકવાર તો જોતાં જ એમ થાય કે વાહ. તેની પાછળ કરેલી મહેનત અને સર્જનાત્મકતા (creativity) ગજબ છે. હવે એક વાત વિચારીએ કે મનોરંજન માટે કરીએ ત્યાં સુધી યોગ્ય છે પણ જ્યારે આનું વળગણ થઈ જાય છે ત્યારે શું?
ટીનેજર અને કોલેજીયનની ઉંમરે આટલું સર્જનાત્મક હોવું એ ખૂબ જ સારી વાત છે. એની સાથે-સાથે એ પણ દેખાઈ આવે છે કે જ્યાં સુધી નક્કી કરેલ હોય એ મુજબ ના બને ત્યાં સુધી ફરીફરીને એને ચોકસાઈપૂર્વક કરતાં રહેવાની ધગશ (passion) પણ તારીફ માંગી લે તેવી હોય છે. પણ આ ઉંમરે એ સમજવાની ચોક્કસ જરૂર છે કે દરેક યુવાને પોતાની ક્ષમતાને ઓળખીને એને કોઈ યોગ્ય દિશામાં લઈ જવાની છે.
યુવાન વયે દરેકે એ વાત સ્પષ્ટ રીતે સમજવાની જરૂર હોય છે કે આ એ સમયગાળો છે જે એની કારકિર્દીને નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આવો જોઈએ કેટલીક બાબતો રીલ્સ vs રિયલ લાઈફ.
આયોજન (Planning) :
રીલ્સ : લોકોને ગમે તેવા વિષય પર આયોજન.
રિયલ લાઈફ : પોતાને મદદરૂપ થાય તવો પ્લાન.
સર્જનાત્મકતા (Creativity) :
રીલ્સ : ટૂંકાગાળાની, બિનઉપયોગી
રિયલ લાઈફ : કાયમી, સ્વવિકાસ માટેની
પરીણામ (Output) :
રીલ્સ : બે ઘડીનો સંતોષ.
રિયલ લાઈફ : જીવન પર્યંતનો ફાયદો.
ઘણીબધી વાર તો રીલ્સ બનાવવા પાછળનું જનૂન એટલું વધી જાય છે કે બનાવતી વખતે સારા-નરસાનો ભેદ ભૂલાઈ જાય છે. ક્યારેક તો જોખમી રીલ્સ આજીવન માટે નુકસાનકારક સાબિત થાય છે.
તો હવે નક્કી આજની યુવા પેઢીએ કરવાનું છે કે, મારા માટે શું અગત્યનું છે. મનોરંજન માટે રીલ્સ બનાવ્યા કરવાનું કે પછી પોતાની સમજથી પોતાની શક્તિને કારકિર્દીના માર્ગે આગળ લઈ જવાનું?
આ સમય છે પોતાને કટિબદ્ધ કરીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો. આવો, નક્કી કરીએ કે મનોરંજન માટે કરવામાં આવતી પ્રવૃત્તિ પાછળ આપણી એટલી બધી શકિતનો વ્યય ન થાય કે આપણે કારકિર્દીનાં માર્ગેથી જ ભટકી જઈએ. જાગૃત બનીએ. સમયનો સદઉપયોગ કરીએ.
લેખક : ડો. ધવલ બી. સોલંકી