આણંદ જિલ્લાના વાસદ ખાતેની રેમન્ડ જીલેટીન ફેક્ટરી નજીક આજે સવારે આઠ વાગ્યાના સૂમારે બે બાઈક આમને-સામને ધડાકાભેર ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે આંકલાવ તાલુકાના મુજકુવા ગામના જગદીશભાઈ છોટાભાઈ પઢીયારની ફરિયાદના આધારે વાસદ પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર અને ગંભીર રીતે ઈજા પામનાર બાઈક ચાલકના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો આ બનાવ આજે સવારે આઠેક વાગ્યાના સૂમારે વાસદ ખાતેની રેમન્ડ જીલેટીન ફેક્ટરી પાસે બન્યો હતો.
જેમાં ફરિયાદીના ભત્રીજા રણછોડભાઈ રામાભાઈ પઢીયાર (ઉ.વ. ૨૨) તેમના બાઈક ઉપર મહેશભાઈ ચંદુભાઈ પઢીયારની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી બેફામ ઝડપે આવી રહેલા બાઈકની જોરદાર ટક્કરથી બન્ને ઉછળીને ભોંય ઉપર પટકાઈ પડયા હતા.
આ સાથે જ બાઈક ચાલક રણછોડભાઈ પઢીયારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઈક ઉપર બેસેલ મહેશભાઈ પઢીયાર અને સામાવાળા બાઈક ચાલકને ઈજાઓ થતાં બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.