વલસાડ જિલ્લામાં કોરોના સામે લોકોને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દ્વારા પહેલા તબક્કાની સર્વેની કામગીરી ગત સપ્તાહમાં પૂર્ણ થયા બાદ બીજા તબક્કાનું સર્વે આરોગ્ય વિભાગની 1,112 ટીમ દ્વારા ચાલુ કરાયું છે. સર્વે દરમિયાન શરદી, ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના શંકાસ્પદ કેસો તપાસવામાં આવી રહ્યા છે.
સર્વેમાં શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા શંકાસ્પદ કોરોનાના દર્દીઓને તાત્કાલિક સિવિલના કોરોના આઇસોલેશન વોર્ડમાં રીફર કરાયા છે. જિલ્લાની PHC, CHC અને ખાનગી દવાખાનામાંથી આ દર્દીઓને શનિવારે કોરોનાના શંકાસ્પદ કુલ 88 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શુક્રવારના 30 સેમ્પલો સહીત કુલ 118 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એમ સૂત્રો એ જણાવ્યું હતું.વલસાડ શહેર અને જિલ્લા માં કોરોના પ્રવેશ ન કરે તે માટે બહાર થી આવનાર ની હિસ્ટ્રી તપાસાઈ રહી છે અને આરોગ્ય તેમજ પોલીસ વિભાગ બોર્ડર ઉપર ધ્યાન આપી રહ્યા છે અને લોક ડાઉન નો પણ અમલ કરાવી રહ્યા છે.