ગુજરાતના અમદાવાદમાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના વલાણા ગામમાં વાન અને ટેન્કર વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 5 વાગ્યે વટામણથી ભાવનગરને જોડતા રોડ પર બન્યો હતો.
આ મામલામાં કોથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, ‘વાનમાં આઠ લોકો હતા. આ તમામ આણંદ જિલ્લાના ખંભાત જઈ રહ્યા હતા. વાન રોંગ સાઇડમાં હંકારી રહી હતી, વલાણા ગામ પાસે ટેન્કરે વાનને ટક્કર મારી હતી. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણને ઈજા થઈ હતી.
અથડામણની અસર એટલી જોરદાર હતી કે ક્ષતિગ્રસ્ત વાનમાંથી મૃતદેહને બહાર કાઢવામાં કલાકો લાગ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, ત્રણેય ઘાયલોને ખંભાતની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.