ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુુંબઈમાં રોડ શો કરીને ઉદ્યોગપતિઓ અને સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને વાયબ્રન્ટ સમિટમાં જોડવાનું નિમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી આખી દુનિયાને જાણ થઈ છે કે ગુજરાતે વર્લ્ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યો છે, અને ભારત વિશ્વમાં એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઉદ્યોગને વિકસાવવા માટે શરુ કરેલી વિવિધ યોજનાઓની મદદથી ગુજરાત મક્કમતાથી આગળ વધ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગું છું.
આ પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ભારે વેગ આપશે અને સાથે-સાથે રોજગાર સર્જન, ઝડપી પરિવહન અને પ્રદૂષણમાં ઘટાડા સહિતના બીજા અનેક ફાયદા પણ આ પ્રોજેક્ટથી મળશે. મિત્રો, ગુજરાત દેશના સૌથી વધુ ઈન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ અર્થતંત્રો પૈકીનું એક છે અને સામાજિક-આર્થિક વિકાસ મામલે વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર છે. ગુજરાત સરકારે રાજ્યમાં MSMEના વિકાસ માટે એક સાનુકૂળ ઈકોસીસ્ટમ તૈયાર કરવા ઉપર પણ ભાર મૂક્યો છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-ઉદ્યોગ સાહસિકતા વણાયેલા છે. આગામી સમયમાં ભારતના સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાં તૈયાર કરી આત્મનિર્ભર, સેલ્ફ-રિલાયન્ટ ગુજરાતના નિર્માણનું લક્ષ્ય અમે રાખ્યું છે. “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ” ની અમારી વિકાસયાત્રામાં સહભાગી બનવા હું આપને આમંત્રણ પાઠવું છું.
ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી છે. દેશ અને વિદેશમાં રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈ પહોંચીને ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી હતી.
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારોમાં હોટલ નિર્માણમાં પણ ટાટા સન્સ કંપનીએ તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એક્સપાન્શન અંગે વાત કરી હતી.
કોટક મહિન્દ્રાના એમડી અને સીઈઓ ઉદય કોટકે પણ વન ટુ વન બેઠકમાં ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી હતી. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાથી ગુજરાતના વિકાસમાં અને સમાજિક કાર્યોમાં પોતાની સહભાગ માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટેએ પણ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્ય પ્રધાનને માહિતી આપી હતી. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. ભુપેન્દ્ર પટેલે કાકુ નખાટેને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય પ્રધાને મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમ઼ડી કિન્ચી આયુકાવાને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. અવાડા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલે આગામી પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના રોકાણમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.