ઓલિમ્પિક રજત પદક વિજેતા ભારતની પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ ફાઇનલમાં જાપાનની નોજોમી ઓકુહારા વિરૂદ્ધ રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચેલા મેચમાં હાર મળી હતી. આ મેચમાં તેને રજત પદકથી સંતોષ માનવો પડ્યો. આ સાથે જ તે બેડમિન્ટનમાં દેશની પહેલી વિશ્વ ચેમ્પિયન બનવાથી પણ ચૂકી છે.
આ મુકાબલામાં બન્ને ખેલાડીઓ વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. 110 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં ફિટનેસ, પાવર ગેમ અને બન્ને ખેલાડીઓની સુંદર રમત જોવા મળી હતી. સિંધુ પહેલીવાર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તેણે 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બન્ને વાર તે સેમી ફાઇનલમાં હારી હતી.
ઓકુહારાએ મેચનો પહેલો પોઇન્ટ જીત્યો હતો. આ પછી ટૂંક સમયમાં જ સિંધુએ 2-1ની સરસાઇ મેળવી હતી. સિંધુ પહેલા સેટમાં 3-5થી પાછળ હતી પરંતુ શાનદાર રમતથી તેણે કમબેક કર્યું હતું. આ પછી ઇન્ટરવલ સુધી તેણે 8 પોઇન્ટ જીતીને ઇન્ટરવલ સુધી 11-5ની સરસાઇ મેળવી હતી. ઓકુહારા જાપાન માટે વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતનાર પહેલી મહિલા છે.