અત્યારના મોડર્ન ટેક્નોલોજી યુગમાં લોકોમાં દિવસનો મોટાભાગનો સમય કમ્પ્યૂટર સામે પસાર કરે છે. સતત કમ્પ્યૂટર સામે જોવાથી ઘણીવાર આંખમાં બળતરા, અસ્પષ્ટ દૃષ્ટિ, માથાનો દુખાવો, થાક અથવા ગરદન તેમજ ખભામાં દુખાવો ઘર કરી જાય છે. જો તમે પણ આ પ્રકારના દુખાવાથી પીડિત હો તો ચેતી જજો કારણ કે, આ કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (CVS)નાં લક્ષણો હોઈ શકે છે. આ સમસ્યા મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેઓ કમ્પ્યૂટર પર સતત અને લાંબા સમય સુધી કામ કરે છે. જ્યારે તમે કલાકો સુધી કમ્પ્યૂટર સ્ક્રીન પર નજર ચોંટાડી રાખો ત્યારે તમે સ્ક્રીન પર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતાં. તમે વિવિધ શબ્દો વાંચો છો, વિવિધ પ્રકારની ઇમેજીસ જુઓ છો. આ તમારી આંખોનું ધ્યાન વારંવાર બદલે છે, જેનો તમને ખ્યાલ પણ નથી હોતો. પરંતુ આ પ્રક્રિયામાં આંખોના સ્નાયુઓને મગજમાં સંદેશ મોકલવા માટે ખૂબ દબાણ હેઠળ કામ કરવું પડે છે. આ ઉપરાંત, સ્ક્રીનમાંથી આવતો પ્રકાશ પણ આ દબાણમાં વધારો કરે છે. આ આખી પ્રક્રિયામાં આપણે આંખો પણ ઓછી પટપટાવીએ છીએ. તેનું પરિણામ કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ તરીકે જોવા મળે છે. જો કે, કોઈ પુસ્તક અથવા અખબાર વાંચવા માટે પણ આપણી આંખોને ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ અહીં ધ્યાન લગભગ સ્થિર રહે છે. આપણે આંખો પણ પ્રમાણમાં વધારે પટપટાવીએ છીએ. આને કારણે, આપણી આંખોને વાંચન અને લેખનમાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
CVSમાં શું થાય છે?
આંખોમાં ભેજ ઓછો થાય છે. તેનાથી આંખોમાં લાલાશ વધે છે. આંખોમાંથી ભેજ ઓછો થવાને કારણે આંખો વધુ ચોળવી પડે છે અને તેના કારણે દૃષ્ટિ અસ્પષ્ટ થઈ જાય છે. આંખોમાં શુષ્કતાને લીધે આંખોમાં ખંજવાળ આવે છે. ડબલ વિઝન (ખાસ કરીને વાંચતી વખતે એક અક્ષરની ઉપર બીજો અક્ષર દેખાવા લાગે છે)ની સમસ્યા થાય છે. આ સિવાય, માથાનો દુખાવો અથવા ગરદન અને કમરનો દુખાવો પણ થાય છે.