રાજસ્થાનમાં શેખાવતી ક્ષેત્રમાં શર્મસાર કરતી અને ડરાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે (ખપ પંચાયત) એ તમામ હદોને ઓળંગીને એક મહિલા પર કુટુંબના એક યુવક સાથે અવૈધ સંબંધો બાંધવાના આરોપમાં એવી સજા આપી છે કે એ સાંભળીને તમારી રૂહ કાંપી ઉઠશે. ખાપ પંચાયતે આ મહિલાને નગ્ન કરીને તમામ લોકો સામે નવડાવવાનો આદેશ કર્યો હતો. ગત 21 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી. મંગળવારના રોજ સાંસી સમાજે પોલીસ અધિક્ષકને એક રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારણા અને વિકાસશક્તિના પ્રદેશ પ્રમુખ સવાઈ સિંહ માલાવતે મંગળવારે સમાજના લોકો સાથેના પોલીસ અધિક્ષકને આ બાબતે રજૂઆત કરી છે.
એમાં ઉલ્લેખ કરાયો છે કે 21મી ઓગસ્ટના રોજ આ ઘટના નેછવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોલા ગામમાં બની હતી. સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રિજા (જેઠના છોકરાને) નગ્ન કરીને જાહેરમાં સ્નાન કરાવાયું હતું. ખાપ પંચાયતે મહિલાઓ પર આરોપ લગાવ્યો હતો કે, તેને પરિવારના યુવક સાથે અવૈધ સંબંધ છે. આ સમયે 400 લોકો હાજર હતા. પરંતુ કોઈએ આ બાબતે વિરોધ કર્યો ન હતો. આ સમયે મહિલાના ફોટો પણ લેવાયા અને વીડીયો પણ બનાવાયા હતા. આ કાર્ય ખાપ પંચાયતે કર્યું હતું. ખાપે મહિલા અને ભત્રીજાને 51 હજારનો દંડ પણ ફટકાર્યો. સમાજે પોલીસ સામે માંગણી કરી છે કે આ કેસમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ કેસમાં સામેલ ખાપ પંચાયત પાસેથી 51 હજાર રૂપિયા લઈને ફરી મહિલાને અપાયા છે. ભીડ સામે પણ કોરોના એડવાઈઝરી ભંગ કરવાની ફરિયાદ નોંધાવાઈ છે.