ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદમાં શુક્રવારે આતંકી દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી 49 નમાઝીઓને સામૂહિક રીતે મારી નાંખવાની ઘટનામાં ન્યૂઝીલેન્ડ પોલીસે ઓસ્ટ્રેલિયાનાં 28 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે. નરસંહાર સર્જનારા 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવાનનું નામ છે બ્રેંટન ટૈરંટ. આ આતંકીએ ગોળીબારનું ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રમીંગ પણ કર્યું હતું. ટૈરંટે ગુરુવારે રાત્રે જ ફેસબૂક પર લખ્યું હતું કે આક્રમણકારીઓ પર હુમલો કરશે અને તેને ફેસબૂક પર લાઈવ કરશે.
ન્યૂઝીલેન્ડ પોલીસે ફાયરીંગ કરનારા આતંકીઓ પૈકી ચારની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. હુમલો કરનાર બ્રેંટન ટૈરંટે 74 પાનાનું મેમોરેન્ડમ પણ પોસ્ટ કર્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે શા માટે તે હુમલો કરવા માંગે છે અને કેમ તેણે આ હુમલાને અંજામ આપ્યો છે.
બ્રેંટન ટૈરંટે પોતાની જાતેને સાધારણ શ્વેત નાગરિક ગણાવ્યો છે. તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય પરિવારમાં થયો હતો. હુમલો કેમ કર્યો તે અંગે તેણે ફેસબૂક પર લખ્યું હતું કે વિદેશી આક્રમણકારીઓ દ્વારા હજારો લોકોની મોતનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે પકડાયેલા ચાર લોકોમાંથી એક ઓસ્ટ્રેલિયન નાગરિક છે. ક્રાઈસ્ટચર્ચમાં કટ્ટરવાદી, દક્ષણિપંથી હિંસક આતંકવાદીએ ફાયરીંગ કર્યું છે.
17 મીનીટ સુધી કર્યું લાઈવ
આતંકી બ્રેંટન ટૈરંટે 17 મનીટે સુધી હુમલાનું લાઈવ પ્રસારણ કર્યું હતું. કારને ચાલુ કરતી વખતે કહે છે કે ચલો, પાર્ટી શરુ કરીએ છીએ. ત્યાર બાદ તે સેન્ટ્રલ ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલનૂર મસ્જિદ તરફ આગળ વધે છે. કારમાં તેણે અનેક પ્રકારના હથિયાર રાખ્યા હતા. તે પણ તેણે ફેસબૂક લાઈવ દરમિયાન બતાવ્યા હતા. એક જગ્યાએ તે કારમાંથી ઉતરે છે અને જમીનમાં ધડાધડ ગોળીઓ છોડી દે છે. બેકગ્રાઉન્ડમાં સર્બિયન મ્યુઝિક વાગતું રહે છે અને સેટેલાઈટ નેવિગેશનના આધારે કારને હંકારતો જણાય છે.
હુમલા પહેલા સોશિયલ મીડિયા પર આપી હતી ધમકી
આતંકી બ્રેંટન ટૈરંટે ગુરુવારની રાત્રે જ ફેસબૂક પર પોસ્ટ લખીને હુમલાની ધમકી આપી હતી. તેણે લખ્યું હતું કે ફેસબૂક પર લાઈવ દેખાડશે. તેણે લખ્યું હતું કે આક્રમણકારીઓ વિરુદ્વ હુમલો કરશે. જો હું આ હુમલામાં નહીં બચું તો તમામને અલવિદા.