નવી દિલ્હી : હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતના યુવા કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અદભૂત સિદ્ધિ બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે, ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે 73 કિલો વજનના વર્ગની ફાઇનલ મેચમાં બેલારુસિયન રેસલર સેનિયા પટાપોવિચને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમ માટે અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, “હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતે 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. આ માટે આપણી ટીમને અભિનંદન અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ.”
ભારતે ટૂર્નામેન્ટમાં 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા હતા
વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ગયેલી ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાંચ ગોલ્ડ સહિત 13 મેડલ મેળવ્યા હતા. પ્રિયા મલિક ઉપરાંત યુવા રેસલર તનુએ પણ કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તનુએ 43 કિલો વજનના વર્ગમાં ફાઇનલમાં બેલારુસના વેલેરિયા મિકિટસિચને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
16 વર્ષીય કોમલ પાંચાલે પણ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપની 46 કિલો વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમલે અંતિમ મેચમાં અઝરબૈજાનના ખેલાડીને 7-2થી હરાવીને આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત અન્ય બે મહિલા ભારતીય કુસ્તીબાજો વર્ષા (65 કિલો વજન વર્ગ) અને અંતિમ (53 કિલો વજન વર્ગ) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતે ગર્લ્સ કેટેગરીમાં એકંદરે બીજા સ્થાને રહી હતી. અમેરિકન ટીમ પ્રથમ અને રશિયન ટીમ ત્રીજા સ્થાને રહી.