ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટ મંગળવારે અહીં હાલની વર્લ્ડ ચેમ્પિયન જાપાનીઝ રેસલર માયુ મુકૈદા સામે હારીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ટાઇટલની રેસમાંથી આઉટ થઇ ગઇ હતી. હવે તે રેપચેઝ દ્વારા બ્રોન્ઝ મેડલ માટે પોતાનું નસીબ અજમાવશે. મુકૈદાએ 53 કિગ્રાની કેટેગરીમાં ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતુ, જેના કારણે વિનેશ માટે મેડલ અને ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરવાની આશા જીવંત રહી છે. માત્ર બે વિજય સાથે તે ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરી લેશે.
વિનેશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ જીતવા માટે રેપચેઝમાં યુક્રેનની યુલિયા ખાવલદજી બ્લાહનિયા, વર્લ્ડ નંબર વન સરાહ એન િહલ્ડરબ્રેડ અને ગ્રીસની મારિયા પ્રેવોલારાકીને હરાવવી પડશે. આ સિઝનમાં વિનેશનો જાપાની રેસલર સામે આ બીજો પરાજય રહ્યો છે. આ પહેલા તે ચીનમાં એશિયન ચેમ્પિયનશિપમાં આ બે વારની વર્લ્ડ ચેમ્પિયન સામે હારી ગઇ હતી. અન્ય એક ઓલિમ્પિક્સ કેટેગરી 50 કિગ્રામાં સીમા બિસ્લા પ્રી ક્વાર્ટરમાં 3 વારની ઓલિમ્પિક્સ મેડલિસ્ટ અઝરબૈઝાનની મારિયા સ્ટેડનિક સામે હારી ગઇ હતી પરંતુ તે પણ વિનેશની જેમ બ્રોન્ઝમેડલ અને ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશનની રેસમાં જળવાઇ રહી છે.