વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ હવે યુવાનો માટે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવે 20થી 40 વર્ષની વયના લોકો દ્વારા કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ તેમને એ વાતની ખબર નથી હોતી કે તેઓ સંક્રમિત છે, તેના કારણે તેઓ વૃદ્ધો અને બીમાર લોકો માટે જોખમ બની રહ્યા છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં રુમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, યુવાનોએ સૌથી વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કેમ કે, અત્યારે યુવાનો ઓફિસ જઈ રહ્યા છે, તેઓ ગ્રુપમાં ફરી રહ્યા છે, બહાર પાર્ટી કરે છે. યુવાનો કોન્ટ્રાક્ટ વર્કિંગ માટે પણ બહાર જાય છે. તેના કારણે હવે યુવાનોમાં સંક્રમણનો દર વધી રહ્યો છે. તેઓ બીજાને સંક્રમિત કરી રહ્યા છે.
યુવાનોને ધ્યાન રાખવા જેવી બાબતો
જો ટ્રાવેલિંગ કરી રહ્યા હો તો એક હેન્ડ સેનિટાઈઝરની નાની બોટલ સાથે રાખવી. જ્યારે પણ કોઈ સપાટીને સ્પર્શ કરો, તો હાથ સેનિટાઈઝ કરો. બને ત્યાં સુધી લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળવું. કોણીનો ઉપયોગ કરીને દરવાજો ખોલો.
યુવાનોએ તેમની ઈમ્યુનિટી જાળવી રાખવા માટે સારું ડાયટ અને સારી ઊંઘ લેવી જોઈએ, હંમેશાં પોઝિટિવ રહેવું, બહારનું ખાવાનું ટાળવું. કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી સૌથી મહત્ત્વની છે.