જીલ્લા વિકાસ અધિકારીએ માંડવી તા.પં.ના પ્રમુખ અને ચેરમેનને ગેટઆઉટ કહેતાં વિરોધ
કચ્છમાં માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૫મા નાણાપંચના કામોની રિવ્યુ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના આકરા વલણથી મામલો બિચક્યો હતો. બેઠક પૂર્વે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ ઈશ્વર માજીરાણાની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે ડીડીઓનું સ્વાગત કરવા ગયેલા તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી અને કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજાને ચેમ્બરમાંથી ગેટ આઉટ કહીને બહાર મોકલ્યા હતા.
માંડવી તાલુકા પંચાયતમાં રિવ્યુ બેઠકમાં અધિકારીના આકરા વલણથી ઉગ્ર માહોલ
રિવ્યુ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ-તલાટી એટલે કે, અપેક્ષિત સિવાયના તમામ લોકોને બહાર જવાનું કહેતાં મામલો ગરમાયો હતો. કારણ કે, કેટલાક ગામોમાંથી સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચ તેમજ કેટલાક મહિલા સરપંચોની સાથે તેમના પરિજનો હાજર હતા. તેમને બહાર નીકળવાની સૂચના મળતાં તમામ સરપંચોએ બેઠકમાંથી વોકઆઉટ કરીને કચેરીમાં ઉગ વિરોધ શરૂ કર્યો હતો. આ દરમિયાનમાં પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ બંદોબસ્ત હેઠળ જ ત્યાંથી નીકળવું પડ્યું હતું. તો બીજીતરફ, અધિકારીના વર્તન અંગે પ્રજાકીય પ્રતિનિધિઓએ ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યોને ફરિયાદ કરી હતી. બેઠકમાંથી તમામ સરપંચોએ વોક આઉટ કરીને કચેરીની લોબીમાં ઘરણા અને સૂત્રોચ્ચાર કરીને ડીડીઓ માફી માગે તેવી માગણી કરી હતી.
જીલ્લા વિકાસ અધિકારીએ પોલીસ બંદોબસ્ત હેઠળ કચેરીમાંથી બહાર નીકળવું પડ્યું
સરપંચો અને પદાધિકારીઓએ કચેરીમાં સુત્રોચ્ચાર અને ધરણા શરૂ કરતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ન સર્જાય તે માટે સંબંધિતોએ પોલીસને બોલાવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત હેઠળ જ ડીડીઓ કચેરીમાં બહાર નીકળ્યા હતા.
૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી તાલુકામાં ખુબ ઓછા કામો થયા
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સૌથી ઓછા કામો થયા છે. જેને કારણે આ વર્ષે તમામ કામો પૂર્ણ થાય તે જરૂરી છે, પરંતુ માંડવી તાલુકામાં અત્યાર સુધીમાં ૫૮ ટકા જ કામગીરી થઇ છે ત્યારે મંજુર થયેલા કામો અને હાલની સ્થિતિને લઇને સરપંચ અને તલાટી સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અપેક્ષિત લોકો માટે જ હોવાને કારણે પ્રારંભમાં જ જણાવાયું હતું કે, અપેક્ષિત હોય તે જ બેઠકમાં બેસે, જેને લઇને જે અપેક્ષિત ન હતા તે અન્ય લોકો બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. સામાન્ય રીતે આ બેઠક ટીડીઓ કક્ષાએથી લેવામાં આવતી હોય છે, પરંતુ સમગ્ર તાલુકામાં સૌથી ઓછા કામો થયા હોવાને કારણે પોતે બેઠક યોજીને કામગીરીમાં પડતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવવા રિવ્યુ બેઠક યોજી હતી.
જીલ્લા વિકાસ અધિકારીના વર્તનથી નારાજ પદાધિકારીઓએ ધારાસભ્યને કરી રજૂઆત
જીલ્લા વિકાસ અધિકારી નાં વર્તનથી નારાજ થયેલા પદાધિકારીઓ જેમાં તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત સત્તાપક્ષના નેતા દેવાંગભાઈ ગઢવી. તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મીશંકર જોષી, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, સરપંચ સંગઠનના પૂર્વ પ્રમુખ કનુભા જાડેજા, કીર્તિભાઈ ગોર, મીતભાઈ ગઢવી સહિતના પદાધિકારી અને સરપંચોએ ધરણા કરવા ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધ દવેને રજૂઆત કરી હતી.
અધિકારી દ્વારા પદાધિકારીઓનું અપમાન કરવાની પ્રથમ ઘટના
માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, લોકશાહી અને પ્રજાના મતથી અને બંધારણ મુજબ પદાધિકારી બન્યા છીએ. જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બંધાયેલા હોઈએ છીએ ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તાપક્ષના નેતા સહિતના પદાધિકારીનું ડીડીઓએ અપમાન કર્યું છે. તે માંડવી તાલુકાના લોકોના અપમાન સમાન છે. તેમણે માંડવી તાલુકાનાં કોઈપણ પદાધિકારીનું અપમાન અધિકારી દ્વારા કરાયું હોવાની પ્રથમ ઘટના હોવાનું જણાવ્યું હતું.