શિયાળામાં શ્વાનોના બદલાતા વર્તનથી માનવ પર હુમલાના બનાવોમાં ઉછાળો
નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મળેલી વિગતો મુજબ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કુલ 428 લોકો સારવાર માટે પહોંચ્યા હતા. આ આંકડાઓ રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેનાથી નાગરિકોને થતી અસુરક્ષાની પરિસ્થિતિ દર્શાવે છે. તબીબો નાગરિકોને સાબુધ રહેવા, શ્વાનોને ખોરાક ન આપવા અને બાળકોને ખાસ કરીને તેમની પાસે ન જવા દેવાની સલાહ આપી રહ્યા છે. શ્વાન આક્રમક બને ત્યારે દેખાતા સંકેતો ઓળખવા પણ નાગરિકોને સમજાવવામાં આવી રહ્યા છે.
શ્વાન કરડે ત્યારે કરવાં જરૂરી પગલાં
જો કોઈ વ્યક્તિને શ્વાન કરડે, તો સૌપ્રથમ ઘાવને સાબુ અને પાણીથી લગભગ પંદર મિનિટ સુધી ધોઈ લેવો જોઈએ, જેથી ઘાવમાં રહેલા જીવાણુઓ નિષ્ક્રિય થાય. રેબીસ એક ગંભીર સ્થિતિ છે અને તેના માટે પછી કોઈ દવા ઉપલબ્ધ નથી, તેથી સમયસર રસી લેવી અત્યંત જરૂરી છે. તમામ હોસ્પિટલોમાં આ રસી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક સારવારથી જીવ બચાવી શકાય છે. સાથે સાથે રખડતા શ્વાનોની સંખ્યા નિયંત્રણમાં રાખવા માટે માસ વેક્સિનેશનને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

તંત્ર દ્વારા નિયંત્રણ માટે કરાયેલા પ્રયાસો
નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનોને કાબૂમાં લેવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ શહેરમાં દેખાતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવાના પ્રયાસો કરી રહી છે. આ કામગીરી શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં થોડું સહજ વાતાવરણ બનતું જોવા મળ્યું છે. નિયમિત કામગીરી ચાલુ રાખવાથી આવનારા સમયમાં શ્વાન કરડવાના બનાવોમાં ઘટાડો થવાની શક્યતા નિષ્ણાતો દર્શાવે છે.
શિયાળામાં શ્વાન બાઇટના કેસોમાં વધારો શા માટે?
શિયાળાની ઋતુ શરૂ થતાં જ શ્વાનોના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર આવે છે. ઠંડીમાં શરીરની ગરમી ઘટે છે, જેના કારણે તેઓ વધુ સતર્ક અને ચીડિયાળ સ્વભાવ ધરાવતા બને છે. ભૂખની તીવ્રતા વધવાથી તેઓ ખોરાક મેળવવા માનવોની નજીક આવે છે અને ગેરસમજમાં હુમલો કરી શકે છે. શિયાળો ઘણા રખડતા શ્વાનો માટે પ્રજનન સમય ગણાય છે, જ્યાં તેઓ વધુ આક્રમક બને છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરવામાં તત્પર રહે છે. રાત્રીના સમયમાં લોકોની અવરજવર ઓછી થતા શ્વાનો રસ્તાઓને પોતાનો વિસ્તાર માની લે છે, જેના કારણે પસાર થનાર લોકો પર હુમલાના બનાવોમાં વૃદ્ધિ જોવા મળે છે.

શિયાળાના કપડાં અને ગેરસમજથી થતા હુમલા
ઠંડીમાં લોકો ભારે અને ઢીલા કપડાં પહેરે છે, જેના કારણે શ્વાનોને માણસની ચાલ-ઢબ સમજવામાં મુશ્કેલી પડે છે. આ ગેરસમજથી તેઓ વ્યક્તિને ખતરો માની તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. નિષ્ણાતો ખાસ કરીને બાળકોને શ્વાનોથી દૂર રાખવાની કડક સલાહ આપે છે, કારણ કે બાળકોના રમકડાં અથવા હલચલ શ્વાનોને આક્રમક બનાવે છે.
નાગરિકોને નિષ્ણાતોની અગત્યની સુચનાઓ
નાગરિકોને શિયાળામાં વહેલી સવારે અને મોડી રાત્રે એકલા બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રખડતા શ્વાનોને ચીડવવા નહીં, ખોરાક ન આપવો અને આક્રમકતા દેખાય તો તાત્કાલિક ત્યાંથી દૂર થવું જોઈએ. આ સરળ સાવચેતીઓ અપનાવવાથી શ્વાન કરડવાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે.

