સૌરવ ગાંગુલીની CABમાં ઘરવાપસી, ફરી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા
ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફરી એકવાર ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. છ વર્ષ બાદ તેઓ ફરી આ પદ પર બિનહરીફ ચૂંટાયા છે. આ પહેલા તેઓ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી CAB પ્રમુખ હતા, ત્યારબાદ તેમણે BCCIના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. CABના પ્રમુખ બન્યા બાદ તરત જ તેમણે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની ક્ષમતા વધારીને ૧ લાખ સુધી કરવાની મહત્ત્વની જાહેરાત કરી.
સોમવારે યોજાયેલી CABની ૯૪મી વાર્ષિક સામાન્ય સભામાં સૌરવ ગાંગુલીની સર્વસંમતિથી આગામી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. આ પદ પરથી ૨૦૧૯માં BCCIના પ્રમુખ બનવા માટે રાજીનામું આપ્યા બાદ હવે તેઓ ફરીથી CABમાં પાછા ફર્યા છે. તેમની ગેરહાજરીમાં અભિષેક દાલમિયાએ આ પદ સંભાળ્યું હતું.
ગાંગુલીની પ્રાથમિકતાઓ: ઈડન ગાર્ડન્સનું વિસ્તરણ અને ટેસ્ટ ક્રિકેટ
નિયુક્તિ બાદ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા આગામી ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચની સફળતાપૂર્વક તૈયારી કરવાની રહેશે. આ ટેસ્ટ મેચ નવેમ્બરમાં ઈડન ગાર્ડન્સ ખાતે રમાવાની છે, અને ૨૦૧૯માં બાંગ્લાદેશ સામેની પિંક બોલ ટેસ્ટ બાદ આ પ્રથમ ટેસ્ટ હશે જે અહીં યોજાશે.
ગાંગુલીએ આ મેચને “એક સારી ટેસ્ટ” ગણાવતા કહ્યું, “દક્ષિણ આફ્રિકા તાજેતરમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પાસે બધું જ છે – સારી પિચ, ઉત્સાહી ચાહકો અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને મજબૂત ટીમો છે, તેથી મને ખાતરી છે કે આ એક યાદગાર ટેસ્ટ મેચ બનશે.”
તેમણે ઈડન ગાર્ડન્સની ક્ષમતા વધારવા અંગે પણ મોટી જાહેરાત કરી. હાલમાં આ સ્ટેડિયમની ક્ષમતા ૬૮,૦૦૦ જેટલી છે, જેને વધારીને ૧,૦૦,૦૦૦ સુધી લઈ જવાની યોજના છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ કામ આગામી T20 વર્લ્ડ કપ પછી જ શરૂ થશે અને તેમાં સમય લાગશે. આ ઉપરાંત, આવતા વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપની મહત્ત્વની મેચોનું આયોજન પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
BCCI સાથે સંકલન અને ભવિષ્યની યોજનાઓ
સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં જ BCCIના નવા સભ્યો સાથે મુલાકાત કરશે. આ સપ્તાહે ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાનારી BCCIની વાર્ષિક સામાન્ય સભામાં તેઓ CABનું પ્રતિનિધિત્વ કરશે.
તેમણે કહ્યું, “હું BCCI સાથે વાત કરીશ. તેઓ પણ નવા સભ્યો છે. હું BCCIના નવા પ્રમુખને શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ સારું કામ કરશે.” ગાંગુલીએ નવા અધિકારીઓનું સ્વાગત કરતાં કહ્યું કે માત્ર મિથુન મનહાસ જ નહીં, પણ રઘુરામ ભટ્ટ સહિત અન્ય ઘણા નવા અધિકારીઓ પણ છે જેમની સાથે મળીને કામ કરવાની તેમને આશા છે.
સૌરવ ગાંગુલીના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટની શરૂઆત થઈ હતી. હવે, તેમની આ બીજી ઇનિંગ્સમાં પણ તેઓ બંગાળ ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સુક છે. ઈડન ગાર્ડન્સની ક્ષમતા વધારીને તેને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાંનું એક બનાવવાનો તેમનો દ્રષ્ટિકોણ બંગાળના ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે.